અનિલ જોશી ~ તમે અણધાર્યા વાદળ : આસ્વાદ ~ વિવેક ટેલર * Anil Joshi * Vivek Tailor

તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા
ને અભરે ભરાઈ ગયાં આભલાં

અમે વૈશાખી તડકામાં બાવળની હેઠ પડ્યા
પડતર જમીન સમા યાતરી
તમે આવળના ફૂલ સમું એવું જોતા કે જાણે
મળતી ન હોય પીળી ખાતરી.

અમે જૂનો ભરવાડ જેમ ઘેટાં ગણે,
ને એમ દિવસો ગણતા કે હજી કેટલાં?
ને તમે દીધાં સંભારણાના પડદા ઉંચકાય નહીં,
લોચનમાં થાક હતા એટલા.

અમે પીછું ખરે ને તોય સાંભળી શકાય
એવા ફળિયાની એકલતા ભૂરી
તમે ફળિયામાં આવીને એવું બેઠા કે
જાણે રંગોળી કોઈ ગયું પૂરી

તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા
ને અભરે ભરાઈ ગયાં આભલાં.

~ અનિલ જોશી

જાતની માલીપા વ્યાપ્ત ખાલીપાને અણુએ અણુએ ભરી દેવાના ઓચ્છવનું પ્રણયગીત તે આ. પ્રતીક્ષાની અનવરત ઘડીઓના છેવાડે આવીને ક્યારેક માણસ પુનર્મિલનની તમામ આશાઓ ગુમાવી બેસે છે. સઘળી આરત શૂન્ય થઈ ગઈ હોય એવામાં પ્રિયજન અણધાર્યાં વાદળોની જેમ આવી ચડે ત્યારે વર્ષોથી ખાલીખમ રહેલું આભ કેવું અભરે ભરાઈ જાય! તરસ જેટલી તીવ્રતર હોય, પાણીનું મૂલ્ય એટલું જ વધુ સમજાય, ખરું ને!

પ્રાસની પરવાહ કર્યા વિનાનું મુખડું અને અમે-તમેની લોકગીતની ચાલમાં ચાલતા પણ ક્રોસલાઇનથી બેપરવા ત્રણ બંધવાળું ગીત ષટકલની પ્રવાહી ચાલમાં એવું આગળ વધે છે કે પારંપારિક ગીતસ્વરૂપની ઉવેખના ક્યાંય નડતરરૂપ બનતી નથી. આ લવચિકતા જ ગીત કાવ્યસ્વરૂપનો વિશેષ છે.

પ્રિયજનની અનુપસ્થિતિમાં કથક પોતે વૈશાખની બળતી બપ્પોરે બાવળના પાંખા ઝાડ નીચેની પડતર પ્યાસી ધરતી હોવાનું મહેસૂસ કરે છે, તો સામા પક્ષે પ્રિયજન આવળના પીળા ફૂલ જેવી સંભાવનાઓ બાંધી આપતા હોવાઅનું અનુભવાય છે. જૂનો હોય કે નવો હોય, ભરવાડ ઘેટાં તો ગણવાનો જ. અહીં જૂનો વિશેષણ પ્રતીક્ષા ઘણી લાંબી હોવાની પ્રતીતિ તો કરાવે જ છે, પણ જૂના જમાનાના ભરવાડની વધુ પડતી કાળજી લેવાની ટેવનો સંસ્પર્શ પણ કરાવે છે. મિલન આડે કેટલા દિવસો બચ્યા હશેની ગણતરીમાં જ જીવન વ્યતિત થવા આવ્યું છે. આંખ ખૂલે તો વાસ્તવિકતાના દર્શન થાય પણ રાહ જોઈ જોઈ થાકી ગયેલી આંખો પ્રિયપાત્રના સંભારણાંઓના પડદાં ઊંચકી શકવાને સક્ષમ નથી. એકલતા ભૂરા આકાશ જેવી વિશાળ અને એવી તો નીરવ છે કે પીંછું ખરે તોય સાંભળી શકાય. ખાલીપાના વ્યાપ અને તીવ્રતાને કેવી સરળ ભાષામાં અને કેવી વેધકતાથી કવિએ રજૂ કર્યા છે એ જોવા-સમજવા જેવું છે, આવામાં પ્રિયજનનું આવી ચડવું એ ભૂરા રંગની એકવિધતાના સ્થાને મેઘધનુષી રંગોળી પૂરાઈ ગયેલ અનુભવાય છે. શબરીના બોર રામના હોઠે ચડે એવી ફળશ્રુતિની અનુભૂતિ પ્રિય વ્યક્તિના અણધાર્યા આગમનને લઈને કથકની સાથોસાથ આપણે પણ અનુભવીએ છીએ એ આ ગીતની ખરી સફળતા છે.

~ વિવેક ટેલર

OP 28.7.23

5 Responses

  1. Minal Oza says:

    કાવ્ય અને એનો આસ્વાદ બંને સરસ.

  2. કાવ્ય અને આસ્વાદ ખુબ સરસ ખુબ ગમ્યા

  3. વાહ

    ખૂબ ખૂબ આભાર

  4. 'સાજ' મેવાડા says:

    વાહ, ખૂબ સરસ ગીત અને આસ્વાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: