પ્રબોધ ભટ્ટ ~ જૂના રે વડલા * Prabodh Bhatt

ફરી વતનમાં

જૂના રે વડલા ને જૂના ગોંદરા, જૂની સરોવર-પાળ;
જૂનાં રે મંદિરે જૂની ઝાલરો બાજે સાંજસવાર;
એથીયે જૂની મારી પ્રીતડી.

ઘેરાં રે નમેલાં ઘરનાં ખોરડાં, ઘેરા મોભ ઢળન્ત;
ઘેરી રે ડુંગરાળી મારી ભોમકા, ઘેરા દૂરના દિગન્ત;
એથીયે ઘેરી મારી વેદના.

ઘેલી રે ઘૂમે ગોરી ગાવડી, ઘેલાં પંખી પવન;
ઘેલી રે ગોવાળણ ગોપની, સુણી બંસી સુમંદ,
એથીયે ઘેલી મારી ઝંખના.

મનની માનેલી ખેલે મસ્તીઓ, આંગણ બાળક-વૃન્દ;
ફૂલડાં ખીલે ને ખેલે તોરમાં, માથે મસ્ત પતંગ,
એથીયે મસ્તાની મારી કલ્પના.

સૂના રે ઊભા આજે ઓરડા, સૂના મોભ ઢળન્ત;
સૂની રે સંધ્યાને ઓળે ઓસરી, સૂની ખાટ ઝૂલન્ત,
એથીયે સૂની રે ઝૂરે જિંદગી.

~ પ્રબોધ ભટ્ટ (20.12.1913 – 14.2.1973)

કવિના જન્મદિને સ્મૃતિવંદના

જન્મ કોટડાસાંગાણી, જિલ્લો રાજકોટ વતન ભાવનગર. સાદરામાં અવસાન.

કાવ્યસંગ્રહો : ‘અંતરિક્ષ’ અને ‘સરોરુહ’  

4 Responses

  1. વતન ની યાદ અપાવી દિધી સ્મ્રુતિવંદન

  2. Anonymous says:

    વતનવિછોહની તીવ્ર અનુભૂતિની સારી રચના.

  3. ઉમેશ જોષી says:

    સાદર સ્મરણ વંદના.

  4. કવિ ને સ્મૃતિ વંદના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: