નિસર્ગ આહીર ~ આવ અહીં * Nisarg Ahir

આવ અહીં

આવ અહીં,

જો, અનુભવ તું, આનંદિત થયા કર…

તારી આંખમાંથી ચોરી લીધેલાં સપનાંને

પહેરાવ્યા મેં મેઘધનુના રંગો,

તું ભૂલી ગઈ હોઈશ સમણાં

પણ મેં તો સાચવીને કર્યા મૂર્ત…

તને કહેવા ધારેલા તમામ શબ્દોને

ગીતમાં ઢાળી કર્યું ગૂંજન…

મૂક આશ્લેષના મધુર સ્પંદથી

પ્રેમની સાતમી ઋતુને ધબકતી કરી દીધી.

ઈચ્છાઓ, આશાઓ તારી હયાતી પહેરી શકે

એવી ગૂંથી દીધી ભાતીગળ.

ચાખી શકે તું એવો રસાળ પ્રેમ છે વાતાવરણમાં

કાળી રાતનાં શ્વેત પારિજાતની ભાતમાં ભળેલી

મીઠી સૌરભ

એ તો નહિ જિવાયેલી

તારી ને મારી જિંદગીનો સંધિકાળ !

છોને લોક ગણે એકલતા,

પરંતુ મારું એકાંત એટલે

ખાલી અવકાશમાં

તારા સભર અસ્તિત્વનો

પંચેન્દ્રિયથી નિત્ય ઉજવાતો આનંદોત્સવ !

આવ તું,

તારા જીવનથી સવાયું પામતા તને

મારી કને !

~ નિસર્ગ આહીર

પ્રિયા સાથેનો સંવાદ, કલ્પનાથી ભરપૂર અનુભૂતિનો ઉત્સવ

5 Responses

  1. વાહ સરસ કાવ્ય ખુબ ગમ્યુ

  2. Anonymous says:

    પ્રેમ વિષયક સારી રચના. અભિનંદન.

    • Kavyavishva says:

      આપ અવારનવાર પ્રતિભાવ આપો છો. આપનું નામ જાણવા મળે ?

  3. ઉમેશ જોષી says:

    વાહ કવિ…
    સરસ અભિવ્યક્તિ છે.

  4. સરસ પ્રેમાભિવ્યક્તિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: