જગદીપ ઉપાધ્યાય ~ આશ્ચર્ય ત્યારે થાય છે * Jagdeep Upadhyay

આશ્ચર્ય વિશે યક્ષ યુધિષ્ઠિરને બદલે રહ્યો જગદીપને પ્રશ્નો કરી; આશ્ચર્ય ત્યારે થાય છે!
જગદીપ આપે છે વળી ઉત્તર: સમય જેનો ગયો છે સર્વ આશ્ચર્યો હરી; આશ્ચર્ય ત્યારે થાય છે!

પૂછી રહ્યો મસ્તિષ્કના ખંજવાળતાં એ વાળ કે સંબંધ બારામાં થતું આશ્ચર્ય ક્યારે આપને?
ના વાળ ખરતાં એટલી સહેલાઈથી હે યક્ષ! સંબંધો જતા જ્યારે ખરી; આશ્ચર્ય ત્યારે થાય છે!

ભયથીય મોટા ભય વિષે એકાદ આપો દાખલો જગદીપા કે આશ્ચર્ય જ્યારે થાય છે એ ભય વિષે!
હે યક્ષ! સાંભળ, શત્રુને પડકારતો માણસ અહીંયા મિત્રથી જાતો ડરી; આશ્ચર્ય ત્યારે થાય છે!

છે પ્રશ્ન હે જગદીપ! કે માણસ તણું ઐશ્વર્ય શું છે? થાય છે આશ્ચર્ય ક્યારે માનુષી ઐશ્વર્યનું?
ઐશ્વર્ય માણસનું ખરું છે લાગણી; માણસ જીવે ને લાગણી જાતી મરી; આશ્ચર્ય ત્યારે થાય છે!

જગદીપ! સોફાસેટ, આ ભીની હવા, આ એરકન્ડિશન્ડ;આ સુખચેન પર આશ્ચર્ય ક્યારે થાય છે?
હે યક્ષ! આ આરામનાં સૌ સાધનો વચ્ચેય તે આરામ ના મળતો જરી: આશ્ચર્ય ત્યારે થાય છે!

~ જગદીપ ઉપાધ્યાય

2 Responses

  1. 'સાજ' મેવાડા says:

    વાહ, સરસ પૌરાણિક કથા બીજ સાથે સરસ આધુનિક રચના કરી છે.

  2. ઉમેશ ઉપાધ્યાય says:

    સરસ રચના 👌🏽👌🏽👌🏽

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: