પ્રફુલ્લ રાવલ ~ રાહ જોઉં છું * Prafull Raval

હું તો તૈયાર જ બેઠો છું
બારણું ખખડે એટલી જ વાર
મારું પોટલું ઉપાડીને જ ચાલવા માંડીશ,
મારી જાતે જ.

મારે ક્યાં કોઈની રાહ જોવાની છે?
ક્યાં કોઈ આંખમાં આંજીને બેઠું છે
મારી પ્રતીક્ષાનું કાજળ?

વળી મેં તો ક્યારનોય મારા તરફનો ભાવ
ઓછો કરી નાખ્યો છે,
વાદળ તો ક્યારનું વિખરાઈ ગયું છે,
હવે તો માત્ર હું જ છું,

પણ કોઈ ખખડાવતું નથી બારણું,
મારું પોટલું હું આઘું કરી શકતો નથી
ને નથી તસુયે ખસી શકતો હું.

~ પ્રફુલ્લ રાવલ

‘પોટલું ઉપાડીને જ ચાલવા માંડીશ’ કહેનાર અંતે ‘પોટલું આઘું કરી શકતો નથી.’ લાખ ફિલસૂફીઓ વંચાય, સમજાય પછીયે મોટાભાગના મનુષ્યની ગતિ આ જ છે. જાણવું એક વાત છે અને આચરવું બીજી વાત. આચરવાનું શરૂ કરનારાઓ પણ ઘડીકમાં ખડી જાય. અને ખડવાના બહુ ‘સાચા’ અને ‘નક્કર’ કારણો હોય છે એમની પાસે.

જો કે આ વિષય જ એવો છે. દલીલને અવકાશ જ નથી. સત્યના માર્ગમાં તર્ક, દલીલ વગરેને ક્યાં સ્થાન હોય છે? માત્ર અને માત્ર અનુભૂતિ. અને ગાંધીજીની માફક સત્યને કબૂલવું અને આચરવાના આયાસો કર્યા રાખવા એ પણ એક માર્ગ ખરો.

3 Responses

  1. ઉમેશ જોષી says:

    જીવનની ફિલસુફી આ રચનામાં વ્યક્ત થાય છે.
    અભિનંદન.

  2. 'સાજ' મેવાડા says:

    ખૂબ જ સરસ માર્મિક રચના. છેલ્લે સુધી પોટલું, છોડી શકાતું નથી, આ પોટલું બધાનું જૂદુ જૂદુ હોઈ શકે.

  3. જશવંત મહેતા says:

    વાત સાચી,મુદ્દાની,ગમી,પોટલું ભૂતકાળ છે.એટલેકે હું ટેનેઅનુભવ
    ગણીશ,હજી આગળ જવું છે પણ જુના અનુભવથી.હજી ભગવાન
    બુદ્ધ ની જેમ નવી ધરતી પર નીકળી જવાની,નવો જન્મ પ્રાપ્ત કરવાની હિંમત નથી થતી.વાત બધાની ત્યાં જ અટકી જાય છે.
    સરસ સારરૂપ વાત કવિની ગમી.સલામ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: