સરૂપ ધ્રુવ ~ ઈચ્છા કુંવરી Sarup Dhruv

આલબેલ! આલબેલ!
નવટાંક સુખડી ઘાલમેલ ઘાલમેલ!
ઘંટાકર્ણના છેદાયેલા કાન
અને અલ્લલટપ્પુ, ભીમ જેવા કૂતરાના મોંમાથી
ટપકતા ગળપણ જેવું આ આપણું કંઈ –
કંઈ તે કંઈ ન્હૈં –
આપણું કહું તોય શું?
છત્રી ઓઢ્યાથી કંઈ વરસાદ થંભી જવાનો છે?
ને તોય ઈધરઉધર ને અધ્ધરપધ્ધર ઈચ્છાઓનો
પરદેશી ટિકિટસંગ્રહ – તો કે અધધધ એકવીસ મણ.
હાથમાં દસિયાનો બરફગોળો
અને પગમાં સ્વિટ્ઝરલેન્ડના સ્કેટિંગ શૂઝ!
ધન્ય છે મા ઈચ્છાકુંવરી, તમને!
મેં તો ક્યારનાંય ચુંદડીચોખા
ગાંઠે બાંધી રાખ્યાં છે.
મણિયારાની ઈકોતેર પેઢીને મૂલવી રાખી છે ને
ઘૂઘરિયું ઘડાવી રાખી છે.
છોડ નહિ, વાડ નહિ પણ ખેતરના ખેતર ખરીદીને
મેંદી સિંચી રાખી છે –
વ્હાણું વાતાંક્ને
ચપ ઉઠતાંક્ને
મેં તો કીડીને કણ ને હાથીને મણ નીરી રાખ્યાં છે.
પાંદડે પાણી પાઈને સૂકાં તોરણ લીલાં કરી રાખ્યાં છે
જાણીજોઈને મેં તો અણજાણ્યા ને અણમાગ્યા
આકારો પર લગાડી દીધાં છે નામનાં લેબલ –
અને પછી એ પોર્ટ્રેઈટ ગેલેરીને આપી દીધું છે
બાપદાદાનું નામ.
સામદામનું દંડકારણ્ય ભેદી નાખ્યું છે –
તેમ છતાંય જો હજીય મારાથી
સાવ પોતાના જેવું ન થવાય તો પછી,
બોલો શ્રી ઈચ્છામાત કી જે !

~ સરૂપ ધ્રુવ

સળગતા આક્રોશના કવિ એટલે સરુપ ધ્રુવ.

1 Response

  1. 'સાજ' મેવાડા says:

    આવું લખી શકવાની કવિની પ્રતિબધ્ધતા ને સલામ, વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: