સરૂપ ધ્રુવ ~ નહીં જન્મેલી દીકરીનો મરશિયો

નહીં જન્મેલી દીકરીનો મરસિયો

પરપોટો એક ફૂટ્યો રે… બેની તને ખમ્મા ખમ્મા!
શ્વાસનો સમદર ખૂટ્યો રે …. બેની તને ખમ્મા ખમ્મા !

એ પરપોટો ધરતી જેવી માએ ના માગ્યો
આભ સમાણા બાપુને પણ ઝાંખપ શો લાગ્યો
વંશવેલ પર પરપોટો કંઇ કાંટો થઈ વાગ્યો
કૂણી, કાચી નસનસમાંહે  અમલ અદીઠો ઘૂંટયો રે
બેની તને ખમ્મા ખમ્મા !

અધબીડી બે છીપની વચ્ચે ચળક ચળક મોતી
પરપોટાની આંખો શું શું ટગર ટગર જોતી
ધીરજ, આશા-વાટ વચાળે રવ રવ શું રોતી
ઘરઆંગણીયે ઘરફોડુએ કાફલો લૂંટયો રે.
બેની તને ખમ્મા ખમ્મા !

પરપોટાની હાથમાં કો’યે પોથી ના પકડાવી
પરપોટાની પગમાં કો’યે પાંખો ના પહેરાવી
પરપોટાના શમણાં–બોલી કો’યે ના પરમાણી
સરસતી સરસતી કરતાં કરતાં હંસલો ઝૂંટયો રે …..
બેની તને ખમ્મા ખમ્મા !

પરપોટાની પોઠ વિનાનો સમદર ધારી તો જો !
ખળખળ વહેતા નીર વિનાનો મલક જરા ધારી તો જો !
ટાઢક, મીઠપ, છોળ વિનાનાં જીવતર તો ધારી તો જો !
લકવાયેલી આ દુનિયાનો તાર જ તૂટ્યો રે…
બેની તને ખમ્મા ખમ્મા !

પરપોટાની પેટની વાતું કોણ તાગશે, કહો
ઘોર વળેલા ઘારણમાંથી કોણ જાગશે, કહો
સાતમો કોઠો કોણ આંબશે-કોણ ભાંગશે, કહો
જોઉ જોઉ અહીં કોનો થનગન ઘોડો છૂટ્યો રે ….

બેની ! તને ખમ્મા ખમ્મા….

~ સરૂપ ધ્રુવ

ભૃણહત્યા પર આટલું અસરકારક ગીત બીજું કોઈ જોયું ?

3 thoughts on “સરૂપ ધ્રુવ ~ નહીં જન્મેલી દીકરીનો મરશિયો”

  1. હૃદયદ્રાવક અને વેધક કવિતા.. નહીં જન્મેલી દીકરીની. સુ. શ્રી સરૂપ ધ્રુવને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ 💐💐💐

  2. Kirtichandra Shah

    સંવેદનશીલ જીવો ને હલાવી શકે તેમ છે આ બધીજ કવિતાઓ

  3. 'સાજ' મેવાડા

    વાત સાચી છે, ભૃણહત્યાનું આટલું હ્રદયદ્રાવક ગીત અનન્ય છે. ફક્ત સ્ત્રી જ સમજી શકે આવી વેદના.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *