મનોજ ખંડેરિયા ~ રસ્તા વસંતના * Manoj Khanderiya

રસ્તા વસંતના ~ મનોજ ખંડેરિયા

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતના !

મલયાનિલોની પીંછી ને રંગો ફૂલોના લૈ
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !

આ એક તારા અંગે ને બીજો ચમન મહીં
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !

મ્હેકી રહી છે મંજરી એકેક આંસુમાં
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !

ઊડી રહ્યાં છે યાદનાં અબીલ ને ગુલાલ
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !

ફાંટું ભરીને સોનું સૂરજનું ભરો હવે
પાછા ફરી ન આવશે તડકા વસંતના !

~ મનોજ ખંડેરિયા

સાંભળો આ ગઝલ અમર ભટ્ટના સ્વરમાં.

OP 18.3.22

Varij Luhar * 20-03-2022 * વાહ વાહ..અમર ભટ્ટ એ કવિશ્રી મનોજ ખંડેરિયા ની ગઝલ અમર છે એ
સાબિત કરી આપ્યું

કૌશિક યાજ્ઞિક * 20-03-2022 * મનોજ ખંડેરિયા નું આ કાવ્ય અમર છે

સાજ મેવાડા * 19-03-2022 * કવિશ્રી મનોજ ખંડેરિયાની સીગ્નેચર ગઝલ. વસંતની ખૂબજ સરસ કલ્પના. અમર ભટ્ટનું સ્વરાંકન અને ગાયન ખૂબ સરસ.

છબીલભાઈ ત્રિવેદી * 18-03-2022 * કવિ મનોજ ખંઢેરીયા ની રચના ખુબ જાણીતીઅને અેટલોજ અમર ભટ્ટ નો મધુર કંઠ ખુબ સરસ અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: