વિનોદ દાસ ~ ગૃહિણી * Vinod Das

ગૃહિણી સુખી છે

એના હોઠ પર તરતું રહે છે સ્મિત

ગાઇ બજાવીને કહે છે કોઈ જો કડવાં વચન

ગૃહિણી ખોટું નથી લગાડતી

ફક્ત માથું નમાવી દે છે

ગૃહિણીને ભૂખ ઓછી લાગે છે

થાકતી નથી એ કોઇ દિવસ

વહેલી સવારે

જ્યારે દુનિયા ગાઢ નિંદ્રામાં હોય છે

ત્યારે એના સ્વપ્નામાં આવે છે ઝાડુ

ગૃહિણી સ્વપ્નામાં પણ ઝાડુ કાઢતી રહે છે

ગૃહિણીને કોઇ જ્યારે પૂછે છે

તે કેમ છે, કેવો છે ઘર-સંસાર

ત્યારે ગૃહિણી કહે છે, સારા છે બધા

બહુ ધ્યાન રાખે છે મારું

આમ કહીને ભાગે છે ગૃહિણી

મોઢું દબાવીને નળ તરફ

મોં ધોઇને ગૃહિણી જ્યારે પાછી આવે છે

ત્યારે

એના હોઠ પર તરતું રહે છે સ્મિત

ગૃહિણી બહુ સુખી છે

માત્ર નળ તરફ દિવસમાં ઘણી વાર જાય છે…..

~ વિનોદ દાસ અનુવાદ સુશી દલાલ

કોઈ આવેશ કે હલચલ વગર, કોઇ નકાર કે બુલંદીના પડઘા વગર, કોઇ રૂપક કે અલંકાર વગર એકદમ સીધીસાદી રીતે તદ્દન સામાન્ય ભાષામાં ગૃહિણીની જીવનચર્યા અહીં વર્ણવાય છે. આ નજરે દેખાતી વાસ્તવિકતાના પડદા પાછળ એક કડવું ને વસમું સત્ય કાળાધબ્બ ચહેરે પડછાયા કરે છે, મુંગું મુંગું પડઘાયા કરે છે અને એ છે ગૃહિણીનું દિવસમાં અનેક વાર નળ તરફ જવું…..

આ કાવ્યના બે પાસાં છે. આ વાત આપણી છે અને આપણી નથી. સ્ત્રીસ્વાતંત્ર્યના વાયરા સાથે શહેરની સ્ત્રીઓ જ નહીં, ગામડાંની સ્ત્રીઓય ઘણીવાર બહુ બળુકી નજરે પડે છે ખરી… એક ચોક્કસ વર્ગ છે જેને આ કાવ્ય વાંચતા અવાસ્તવિકતા પણ અનુભવાય. પણ તમે જ કહો, આજકાલની સિરીયલોમાં દર્શાવાતી સાસુ-વહુ આવા ચારેકોર પથરાયેલા વર્ગનું પ્રતિનિધિત્વ નથી કરતી ? હા, એ સિરીયલ છે એટલે એના નિર્માતા વહુને ઊંઘમાંયે શણગાર સજેલી અને મેકઅપ કરેલી ભલે બતાવે પણ સાસુનો રોફ અને દાબ કે નણંદ, દિયર, પતિના પ્રતાપ ઘટ્યાં છે ખરાં? જવાબમાં મોટેભાગે ના જ આવે અને એ મૂળવાત હજીયે જીવાતા જીવનની છે.. કવિ કંઇ આકાશમાંથી નથી ટપકતો, કવિતાયે વાદળમાંથી નથી વરસતી… આંખ અને કાન ખુલ્લાં રાખીને આસપાસ ધબકતા જીવનને સંવેદનારા હૃદયના આ શબ્દો છે! સ્મિત પાછળ છુપાયેલા આંસુને અને હાસ્ય પાછળ સંતાયેલા ડુસ્કાંને પીઠ પાછળથીયે જે જોઇ શકે છે, નળના પાણીના અવાજ કરતાં જે જુદા તારવી શકે છે એ હૈયાના આ શબ્દો છે. એટલે જ મારી તમારી નહીં તો યે કેટલીયે – હજારો લાખો જિંદગીનું આ સત્ય છે એ કબુલવું જ પડે !! આ કાવ્ય એક મોટા વર્ગનો આયનો છે એ સ્વીકારવું જ પડે !!  

4 Responses

  1. ખુબ હ્રદયદ્રાવક કાવ્ય આસ્વાદ મા બધીજ વાત આવી જાય છે હજુ પણ આવુ જોવા મળે છે તે કડવી વાસ્તવિકતા છે

  2. હરીશ દાસાણી.મુંબઈ says:

    આ બધું હોવા છતાં ગૃહિણીઓ ગૃહત્યાગ નથી કરતી

  3. 'સાજ' મેવાડા says:

    આ વાત બધી સ્ત્રીઓ ને લાગું પડતી નથી, નહીં તો પુરુષોના આપઘાત ના કિસ્સા વધ્યા ના હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: