મનહર જાની ~ ખેતરને શેઢેથી * Manhar Jani

ખેતરને શેઢેથી ખૂટી લીલાશ
અને ખીજડાનું મન થયું ખાલી
સુગરીના માળામાં સૂનમૂનતા મેલીને
કલરવતા દન ગયા હાલી.

થાંભલાની જેમ સ્થિર ઊભો વખત
નથી પાંદડુંય હલતું કે ચલતું
ઝાંખરામાં ઝરડાતી તેતરની પાંખ
નથી ધોરિયાનું નામે ઊકલતું
ચાડિયાએ સંકેલ્યું વાદળિયું આભ
અને પીળું વેરાન ગયું ફાલી… ખેતરને શેઢેથી…

રાફડાની કોરમોર ઊંઘે બોલાશ
લઈ બપોરી વેળાનાં પોરાં
અધખેડ્યાં ખેતરમાં આળોટે આમ-તેમ
તડકાનાં નાગોડિયાં છોરાં
થોરિયાની વાડમહીં બેઠો સૂનકાર
સાવ પંચ હેઠ પડછાયો ઘાલી….. ખેતરને શેઢેથી…

~ મનહર જાની

જેઠ મહિનાની આકરી ગરમીના દિવસોમાં વાતાવરણ ખૂબ આકરું લાગે છે. ક્યાંય પવનનું નામ નથી. લીલોતરી ક્યાંય દેખાતી નથી. સૂમસામ બપોરે રાફડાની આસપાસની થોરિયાની  છાંયડીમાં  ખેડૂત પોરો ખાતો ઊંઘે છે અને અધખેડ્યું ખેતર તડકામાં ખુલ્લેઆમ તગતગે છે. બપોરનો માથા પર આવેલો સૂરજ એવો આકરો છે કે પડછાયા પણ સાવ ટૂંકા થઈ ગયા છે એટલે ક્યાંય કોઈની અવરજવર કે ચહલપહલ નથી..બધે સૂનકાર છે.

વૈશાખ કે જેઠ મહિનાની આકરી બપોરનું ચિત્ર અહીં આબેહૂબ ઝિલાયું છે.ખૂબ સરસ ગીત છે.

~ દિલીપ જોશી

6 Responses

  1. ખુબ સરસ ગીત ઝાડ ઓછા થયા ખેતી પડી ભાંગી અેટલે ખેડૂત ને થોર ના છાયે સુવુ પડે ખુબ સંવેદનશીલ રચના અભિનંદન

  2. હરીશ દાસાણી.મુંબઈ says:

    પ્રકૃતિ-લીલાનું સરસ ગીત

  3. kishor Barot says:

    સમયનો કાટ જેમને લાગ્યો નથી તેવું આ અદ્ભૂત ગીત લગભગ 45વર્ષ પહેલાં લખાયેલું છે. આ વાત અધિકાર પૂર્વક હું એટલે કહી શકું છું કારણ કે સ્વ. મનહર જાની મારા કાવ્ય ગુરુ છે જેમની પાસેથી હું કવિતાનો ‘ક’ ઘૂંટતા શીખ્યો છું.
    ગુરુજીને આદરભરી સ્મરણાંજલી. 🙏

  4. Anonymous says:

    ખૂબ જ સરસ ઉનાળાની બપોરનું શબ્દ ચિચ્ર, ગીત.

  5. 'સાજ' મેવાડા says:

    ખૂબ જ સરસ ઉનાળાની બપોરનું શબ્દ ચિચ્ર, ગીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: