મીના છેડા ~  ગઈ કાલે

ગઈ કાલે રાત્રે
સુતી વખતે
મેં
મારા બધાં જખ્મોને
પથારી પર પાથરી દીધા
પછી
સવાર સુધી
હું
પડખું ફેરવી શકી નહોતી…..

~ મીના છેડા

ઓછાંમાં ઓછાં શબ્દોમાં પીડાને તારસ્વર સુધી પહોંચાડવી એ કાવ્યકલાનું એક અદભુત પાસું છે, મીના છેડાનું આ નાનકડું કાવ્ય એ અનુભુતિ આપી જાય છે.

શબ્દો સાથે જડાયેલા રૂઢ અર્થો અહીં દેખાતા નથી. જેમ કે સામાન્ય રીતે ‘રાત’ અને ‘પથારી’ ઊંઘ અને આરામનો અર્થ આપે છે પણ અહીં રાતમાં ઊંઘ નથી અને પથારીમાં આરામ નથી. પ્રેમ અને રાતને એક જુદો જ સંબંધ છે. સુખ હોય તો રોમાંચ અને દુખ હોય તો રૂદન એ રાતોની ઊંઘ અને ચેન છીનવી લે છે. પ્રેમની આ એક ચોક્કસ અવસ્થા છે.

અહીં પડખું ફરવાની વાત કાવ્યાત્મક રીતે વ્યક્ત થઈ છે. સામાન્ય રીતે ઊંઘ ન આવે ત્યારે ‘આખી રાત પડખાં ફેરવ્યા’ જેવો શબ્દપ્રયોગ થાય છે. અહીં જખ્મો જીવ સાથે એવાં જડાઇ ગયાં છે કે આ સ્ત્રી રાતભર જાગે છે. એને એની પીડા જંપવા નથી દેતી. પડખું ફરવાનું કદાચ હવે એના જીવનમાંથી બાદ થઇ ગયું છે.

કવિતા દેખાય છે એટલે કે વંચાય છે એટલી નકારાત્મક નથી. કાવ્યનો પ્રથમ શબ્દ ‘ગઈ કાલે’ અને અને આખરી શબ્દ ‘નહોતી’, આ બે શબ્દો આખાય વેદનાભાવથી દૂર થઈ શકવાનો એક છૂપો સંકેત આપે છે. અને એટલે જ પ્રથમ વાંચને માત્ર પીડાનો પર્વત ખડો કરતું કાવ્ય ધીરે ધીરે સમજુ ભાવકને ‘હાશ’ પહોંચાડે છે.

3 Responses

  1. ખુબ સરસ કાવ્ય અને આસ્વાદ પણ અેટલોજ માણવા લાયક રહ્ર્યો ખુબ ખુબ અભિનંદન

  2. Minal Oza says:

    મનની વ્યથા કથા શોરબકોર વગર લાક્ષણિકતાથી રજૂ કવયિત્રીએ લાગવાથી રજૂ કરી છે. આસ્વાદ પણ મજાનો. અભિનંદન.

  3. મસ્ત મજાની રચના
    સરસ આસ્વાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: