આદિલ મન્સૂરી ~ નહીં જીરવી શકો * Aadil Mansuri

આદિલ કરો વિચાર, નહીં જીરવી શકો
સુખના બધા પ્રકાર નહીં જીરવી શકો

ઈશ્વરનો પાડ માનો કે પડતી નથી સવાર
સૂરજનો અંધકાર નહીં જીરવી શકો

થાકી જશો શરીરની સાથે ફરી ફરી
હોવાપણાનો ભાર નહીં જીરવી શકો

આ ભીડમાંથી માર્ગ નહીં નીકળે અને
એકાંત પણ ધરાર નહીં જીરવી શકો

મારગમાં એક એવી અવસ્થા ય આવશે
જ્યાં મૌનનો ય ભાર નહીં જીરવી શકો

મૃત્યુનો ઘા કદાચ તમે જાવ જીરવી
જીવનનો બેઠ્ઠો માર નહીં જીરવી શકો

મિત્રો કે શત્રુઓથી બચી નીકળો પછી
પડછાયાનો પ્રહાર નહીં જીરવી શકો

માથું ઘણુંજ નાનું છે પંડિતજીને કહો
આ પાઘડીનો ભાર નહીં જીરવી શકો

મૂકીએ ગઝલના ચોકે બનાવીને બાવલું
માથે સતત હગાર નહીં જીરવી શકો

આદિલ સુખેથી શ્વાસ નહીં લઈ શકો તમે
એના સતત વિચાર નહીં જીરવી શકો

~ આદિલ મન્સૂરી

5 Responses

  1. પારુલ બારોટ says:

    વાહ… ખૂબ સરસ …. લતાબેન ઉત્તમ રચનાઓ માણવાનું એક માત્ર સ્થળ એટલે કાવ્ય વિશ્વ…

  2. પારૂલ બહેન ની વાત સાથે સો ટકા સહમત ખુબ સરસ મજાની રચના કવિ શ્રી ને પ્રણામ

  3. ખૂબ સરસ મનનિય ગઝલ, લાંબી રદીફ સાથે સરસ સમતોલન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: