જ્યોતિ હિરાણી ~ જળમાં ઝળઝળિયાં

જળમાં ઝળઝળિયાં ઉમટ્યાં ને, પરપોટા થઇ ખીલ્યાં રે
કોરી આંખે ટશિયા ફૂટ્યાં પાંપણ ઉપર ઝીલ્યા રે….
પગલે પગલે એક સહેલી, પીડા નામે સાથે રે
વાંકીચૂંકી કેડી પર છલકાતી ગાગર માથે રે….
સુતરના કાચા તાંતણે, બાંધ્યાં રૂંધ્યાં સગપણ રે
બંધ ઓરડા પોલી ભીંતો, ખાલીપો જ્યાં વળગણ રે…
સુનકારાનો પવન આકરો એકલતાની ચક્કી રે
જાત અમારી ઝાકળ જેવી ઉડવાનું છે નક્કી રે…
મધદરિયે તોફાન આકરાં, પરપોટાજી ઝીલે રે
ડૂમાં ડૂસકાં ભીતર ધરબી, સ્મિત કિનારા ખીલે રે……..
~ જ્યોતિ હિરાણી
ગીત… આમ જુઓ તો કોઇ મોટી ફરિયાદ નથી. કાવ્યનાયિકા, જે અહીં ભારતીય સ્ત્રી સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે, એની રોજબરોજની જિંદગી, એની રીતે ચાલ્યાં જ કરે છે પણ… જે વાત એને કાંટાની જેમ ખૂંચે છે, એ છે બેધારાપણાની વાત, સતત બેવડી જિંદગી જીવવાની વાત. અને એ ઘસરકા કર્યે જ જાય છે, કર્યે જ જાય છે..
આ ગીતમાં શબ્દોની પસંદગી નાજુકાઈથી અને સ્પર્શી જાય એમ કરી છે. કોરી આંખમાં ફૂટતા ટશિયા, જે ઝળહળે છે, પરપોટા થઇ ખીલે છે ને એને પાંપણ ઝીલે છે. ‘ટશિયા’ શબ્દ જે લોહી માટે મોટેભાગે વપરાય છે જે અહીં આંસુ માટે વપરાયો છે. પીડાને વ્યક્ત કરવા માટે કેટલો સૂચક છે! એ ઝળહળે છે કેમ કે અંદર અંધારું હોય તો પણ એણે બહાર પ્રકાશ આપવાનો છે. પરપોટા કે જેનું આયુષ્ય અત્યંત ક્ષણિક છે એ ખીલે તોય શું!
સૂતરના કાચા તાંતણે બંધાતા સંબંધ તો જાણ્યા છે, પણ અહીં સંબંધ બંધાયા પછી કેવા રૂંધે છે એની વાત છે. જોકે ‘બંધાવા’ની વાત પણ અહીં ‘જોડાવા’ના અર્થમાં નથી.. ‘બાંધી દેવા’ના, ‘રોકી રાખવા’ના અર્થમાં છે. સ્ત્રીની આ રૂંધામણ જ કાવ્યની જન્મદાત્રી છે ને!
સરસ મજાનું કાવ્ય અને અેટલોજ માણવા લાયક આસ્વાદ ખુબ સરસ અભિનંદન
આભાર છબીલભાઈ
જળમાં ઝળઝળિયાં…
ખરેખર વાસ્તવિકતા અનુભવાય છે.
અભિનંદન.
જળમાં ઝળઝળિયાં…
સુંદર લય, ઠારકો આપે એવો ભાવ…
સુંદર ગીત છે.
એવો જ સરસ આવાદ
અભિનંદન.
જળમાં ઝળઝળિયા.. સુંદર મજાની રચના ને એવો જ સુંદર આસ્વાદ 💐
આભાર સરલાબેન
ખૂબ સરસ એક સ્ત્રીના, ખાલીપો અન વિચ્છેદ વેદના નું ગીત. સરળ શબ્દોમાં અર્થ સભર અભિવ્યક્તિ.
નમસ્તે લતાબેન, કાવ્ય વિશ્વ ને તમે એટલી સુંદર રીતે સાહિત્યિક
તેમજ કાવ્યાત્મકતા થી સભર સભર રીતે વિસ્તારિત કર્યું છે કે
સહુ ને ગૌરવ થાય, મારું કાવ્ય તેમજ તમારા થકી થયેલા આસ્વાદ ને કાવ્ય વિશ્વ પર પ્રગટ કરવા બદલ ખુબ ખુબ આભાર 🙏❤️
ઘૂંટાઈને ઘેરા થયેલ કારુણ્યનું ભાવનાત્મક ગીત