જયેન્દ્ર શેખડીવાળા ~ ઝૂરણ મરશિયો

તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે
ક્હીને પાણીએ પ્હેરાવી વાણી સેર રે

વાયસ ઊડ્યા રે કંઠેથી લઈને વાયકા રે
અમને સાંભરે કૂહુક કાળી ગાયકા રે

તમને અમાસો જમાડું અંધારઘેર રે
તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે

મનના જરજર દુરગ ખરખર કાંકરી રે
અમને ખભે લૈ ઉભી છે ટચલી આંગરી રે

તમને કાંગરે ઉગાડું પીપર પેર રે
તમને ટહુકા પહેરાવું હાથણીભેર રે
~ જયેન્દ્ર શેખડીવાળા

કવિએ શીર્ષક આપ્યું છે એટલે આપણને આ ગીત ખોલવામાં થોડી સરળતા રહે છે. કવિએ ગીત ખોલવાના પગથિયાં આપ્યા છે ..જેના પરથી આપણે સમજી શકીએ છીએ કે કોઈની ગેરહાજરીમાં કાવ્ય નાયકનો વિલાપ અહીં અનુભવી શકાય છે.
તમને સુરીલા ટહુકા અમાપ માત્રામાં પહેરાવું.. તમને તમારી વાણીની સરવાણી પાછી આપું.. તમે મરીને મૌન થઈ ગયા છો એટલે તમને વાણી આપુ..
તમારી વાતો એક વાયકા થઈ ને બધે ગવાઈ રહી છે. અમને તમારો કોયલ જેવો સ્વર યાદ આવે છે. જો તમને એવું અંધારું પ્રિય હોય તો એ તમને હું આપીશ. હવે અમારાથી આ વિલાપ સહન નથી થતો.. મન પણ હવે થાકી ગયું છે. મનના દૂર્ગની કાંકરીઓ હવે ખરવા લાગી છે. હવે તો અમારો ટેકો પણ જીર્ણ થઇ ગયો છે.. તમે પાછા આવો. તમને પીપરની જેમ પાછા મારા જીવનના એક એક ધબકારા માં પ્રોવી લઉં..પણ તમે ..તમે..
કોઈ સ્વજનના મૃત્યુ પાછળનો આવો વિલાપ અહીં.. સાંભળી શકાય છે.કવિ શ્રી જયેન્દ્ર શેખડીવાળાને અભિનંદન
~ દિલીપ જોશી

6 thoughts on “જયેન્દ્ર શેખડીવાળા ~ ઝૂરણ મરશિયો”

  1. ઝૂરણ મરશિયો.. અને આસ્વાદ ખૂબ સરસ

  2. ગીત મજાનું… આસ્વાદ ગીતની કેટલીક પરત ઉઘાડી આપવામાં મદદરૂપ પણ થાય છે અને ક્યાંક વળી ગીતના રસાસ્વાદમાં બાધા પણ બને છે.

  3. સુરેશ 'ચંદ્ર'રાવલ

    શ્રી શેખડીવાળાનુ ગીત ઝૂલણ મરશિયો ઘણી ગૂઢ તેની બાની,
    તેને ઉકેલવું અઘરું પડે…પણ તેનાં ઉપરનો શ્રી દિલીપ જોષીનો આસ્વાદ ગીતનાં મર્મ સુધી ડૂબકી મારી ભાવકને ઝકઝોર કરી દે છે…આભાર લતાબેન….. આને દિલીપભાઈ….!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *