હરીન્દ્ર દવે ~ ટેવાઈ તું સુરગણોની * Harindra Dave

મા

ટેવાઈ તું સુરગણોની પ્રશસ્તિથી મા,
ને બોલવું કઈ વિધે અમને ન જાણ:
સંતપ્ત આ ભવરણે કદી પાય થાકે
શીળું તમારું શરણું: નવ અન્ય ત્રાણ

મા, હું મને ન સમજી કદીયે શક્યો,તો
ક્યાંથી કહે ગહન તારું સ્વરૂપ પામું?
તું આપ દ્રષ્ટિ, જગ જોઈ શકું યથાર્થ,
સંબંધનું ચરમ સત્ય કયું, પિછાણું.

આ શબ્દ, એ પણ તમારી કૃપાની દેણ,
આ વાણી એ પણ તમારી દયાનું વ્હેણ;
હું તો કૃતજ્ઞ રહી જીવીશ, માત, નિત્યે
વીતી રહેલ પળ સર્વ તમારું કહેણ

મા, રોજ રોજ કશું માગી રહ્યો અને તું
હંમેશ આપી રહી દિવ્ય કૃપાપ્રસાદ:
આજે કશુંય નવ માગવું, માત્ર આંહી
બેસી રહું અરવ શાંતમના બનીને.

~ હરીન્દ્ર દવે

શ્રી માતાજીની પ્રાર્થના રૂપે લખાયેલા શ્લોકોમાંથી:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: