વિનોદ પદરજ ~ વગર પ્રેમે

બધી પવિત્ર નદીઓનું જળ લીધું એણે
બધા ઉપજાઉ ખેતરોની માટી
આસમાનનાં જેટલાં રૂપ હતાં બધાં લીધાં
સૂરજ ચાંદ સિતારા આકાશગંગાઓ મેઘ
અને ચૂલામાંથી આગ લીધી કડછીભર
બધાં ફૂલોની એક એક પંખુડી
બધાં પંખીઓનું એક એક પીંછુ
ઘટાઘેઘૂર વૃક્ષનું પાતાળભેદી મૂળ
જરા જેટલું ઘાસ જરા જેટલી હવા
દરેક બોલીનો એક શબ્દ લીધો-પ્રેમ
બધાને ભેળવીને સ્ત્રી બનાવી કરતારે
અને અચંબિત રહી ગયો
એ અપ્સરાઓથી અધિક સુંદર હતી
કરતારે કહ્યું
પૃથ્વી પર તું અધૂરી રહીશ
પૂર્ણતા માટે તને જરૂર પડશે પુરુષની
અને એના પ્રેમની
ચાહે તો અહીં સ્વર્ગમાં રહે
કામનાઓ વાસનાઓથી દૂર
જરા મરણ વ્યાધિઓથી દૂર
ખટકર્મથી પરે
ચીર યુવા ચીર સુંદર
પણ સ્ત્રીએ એક જ શબ્દ સાંભળ્યો વારંવાર
પ્રેમ પ્રેમ પ્રેમ
અને પૃથ્વી પર આવી ગઈ
હવે પૃથ્વી પર ભટકે છે એ
બહુ ઓછી છે જેમને પ્રેમ મળ્યો
બહુ વધારે છે જેમને પ્રેમમાં છલના મળી
અને સહુથી વધારે એ છે
જેમને પરણાવી દેવાઈ
જેમણે ઘર સંભાળ્યાં
છોકરાં જણ્યાં
વગર પ્રેમે
~ વિનોદ પદરજ (હિંદી)
(ગુજરાતી અનુ.: હરીશ મીનાશ્રુ)
શરૂઆતમાં આનંદ આપે અને પછી નકરી પીડા…. જાણે સોળ ઉઠ્યા હોય એમ ચચરે એવી કવિતા….
સચ્ચાઈથી ભરેલી કવિતા….. પુરુષપ્રધાન સમાજને ફટકારતી કવિતા….
મૂળ હિન્દી કવિતા ગૂગલ પર શોધી, ન મળી. અનુવાદક શ્રી હરીશ મીનાશ્રુ પાસેથી મેળવી જરૂર મૂકીશ. હાલ અનુવાદથી સંતોષ..
વાહ વાહ શું કવિતા છે આપની મહેનત લગન ને સલામ