સંસ્કૃતિરાણી દેસાઈ * Sanskritirani Desai

“મારી કાવ્યયાત્રા બાબત કંઈ લખવાનું આવે ત્યારે અજાણ્યા પ્રદેશમાં જવાનો એક પ્રવાસ શરૂ થાય છે અજાણ્યો એટલા માટે કે કાવ્ય કેવી રીતે આવે છે તે એક રહસ્ય છે મારે માટે. મને સાહસ ગમે છે અને શોધખોળ માટે પ્રવાસ ખેડવામાં પણ મજા પડે છે. આમ તો કોઈ કોઈક વાર આ પ્રદેશમાં જવાના મોકા ઊભા થયા છે પણ કોણ જાણે કેમ દર વખતે એક નવી જ દુનિયા ઊભી થાય છે…..”

સંસ્કૃતિરાણી નાના હતા ત્યારે તેઓ અને તેમના નાનાભાઈ સાથે નિયમિત કવિ સંમેલનોમાં જતાં. આગલી હરોળમાં બેસીને ઘણા બધા સાહિત્યકારોને ધ્યાનથી સાંભળતા.

આધુનિક વાર્તાકાર તારિણીબહેન અને આધુનિક કવિ, નિબંધકાર અને ચિંતક ડૉ. સુધીરભાઈ દેસાઇનું આ સંતાન. આવાં માતા-પિતાને કારણે એમને સાહિત્યનું એક્સપોઝર ઘણી નાની વયે મળ્યું. ઘણાં સાહિત્યકારોને તેઓ ઘરે મળ્યા, તેમ જ સિદ્ધહસ્ત સાહિત્યકારોને ઘરે ગયા હોય, એ એમની જિંદગી હતી. ઉમાશંકર જોષી, સુંદરમ, રાજેન્દ્ર શાહ, હીરાબહેન પાઠક, મકરંદ દવે, સુરેશ જોશી જેવાં સાહિત્યકારો સાથે એમને ઘર જેવો સંબંધ. એમાંથી તેઓ ઘણું શીખ્યા કવિ સુધીર દેસાઈએ અમૃતા પ્રીતમના કાવ્યસંગ્રહનો અનુવાદ કરેલો. આમ સાહિત્યકાર અમૃતા પ્રીતમ સાથે પણ તેમને સારો પરિચય.

ઘરમાં પપ્પા અને મમ્મી એમનું સર્જન સંભળાવતા હોય અને તેઓ પોતાનું મંતવ્ય આપતા હોય એ એમનો સ્વભાવિક નિત્યક્રમ હતો. કાવ્યો સાંભળ્યા પછીની ચર્ચામાંથી તેઓ ઘણું શીખ્યા છે એટલે ક્યારે કવિતા બને છે કે નથી બનતી  અથવા કોને સારી કવિતા કહેવાય, એ બધું તેઓ ઘરમાંથી શીખ્યાં એટલે સંસ્કૃતિરાણી કહે છે કે મારું ઘર એ જ મારી સાહિત્ય શીખવાની યુનિવર્સિટી છે. ઘરમાં મોટી લાઇબ્રેરી એટલે પુસ્તકો વાંચવાનું પણ ખૂબ બન્યું આમ લખવું એમના માટે સહજ હતું.

પહેલી કવિતા એમણે છઠ્ઠે વર્ષે લખી અને પછી તેઓ લખતાં જ રહ્યાં. તેઓ કરાટે શીખ્યાં છે, ચિત્રકલા શીખ્યાં છે, ભરતનાટ્યમ શીખ્યાં છે, એટલે આ બધાનો પ્રભાવ એમની કવિતામાં પણ જોવા મળે છે.

સંસ્કૃતિરાણી લખે છે કે જ્યારે હું મારા મનને કામના બોજથી મુક્ત કરી નાખું છું, પેન્ડિંગ કામના લિસ્ટ દરિયામાં ફેંકી દઉં છું, મનના રૂમને બિલકુલ ખાલી કરી દઉં છું, વાળી ઝૂડીને સાફ કરી દઉં છું અને પછી રાહ જોઉં છું – તેને માટે. બોયફ્રેન્ડ ની માફક એને લાડ લડાવવા તૈયાર થઈ જાઉં છું તો એ જુએ છે કે હું ખરેખર ગંભીર છું ? બીજા કશાનો વિચાર નથી કરતી ને ? માઇલો સુધી કોઈ પેન્ડિંગ કામનો વિચાર દેખાતો નથી ને ? ત્યારે એ મારી પાસેથી વચન લે છે કે હું મારું પૂરું ધ્યાન એને આપીશ અને પછી એ મને ખબર પણ ના પડે એમ ધીમે પગલે આવે છે. જો કે ક્યારેક કોઈ સરસ પંક્તિ આવે અને પછી આગળ ચાલે જ નહીં તો અજંપો થાય.

સંસ્કૃતિરાણી અછાંદસ કાવ્યો લખે છે. એમની કવિતા એ ફોર્મમાં જ એમની પાસે આવે છે.

કાવ્યસંગ્રહો

સૂર્યો જ સૂર્યો 1993  2. શબ્દના આકાશમાં કૂદકો 2018  3. શબ્દદાબડીઓ 2020

પુરસ્કારો અને સન્માનો

‘સૂર્યો જ સૂર્યો’ માટે છ એવોર્ડ અને ‘શબ્દના આકાશમાં કૂદકો’ માટે ત્રણ એવોર્ડ 

કાવ્ય સંગ્રહ માટે નવ ઍવૉર્ડ

1) તખ્તસિંહ પરમાર પારિતોષિક –

ગુજરાતી સાહિત્ય પરિષદ –  1994

2) દિનકર શાહ – કવિ જય પારિતોષિક – ગુજરાતી સાહિત્ય પરિષદ – 1994

3) ફણીશ્વરનાથ રેણુ સાહિત્ય ઍવૉર્ડ – 1994

4) ગિરા ગુર્જરી પારિતોષિક – કલા ગુર્જરી –  1995

5) ભારત નિર્માણ નારી પ્રતિભા ઍવૉર્ડ – સાહિત્ય માટે –  1996

6) રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ ઍવૉર્ડ – કવિતા માટે – 2002

7) હરિશ્ચંદ્ર ભટ્ટ ઍવૉર્ડ – કવિતા માટે – 2011

8) ઉમાશંકર જોશી ઍવૉર્ડ – કવિતા માટે – 2012

9) ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક – કાવ્ય સંગ્રહ માટે – 2013

40 જેટલા કાવ્યગ્રંથોમાં એમની કવિતાઓનો સમાવેશ થયો છે.

આઈરિશ ભાષામાં એમના એક કાવ્યનો અનુવાદ જે આઈરિશ કાવ્યસંગ્રહમાં સમાવિષ્ટ છે.

સંસ્કૃતિરાણી દેસાઈ કવિતા ઉપરાંત ટૂંકી વાર્તાઓ પણ લખે છે.

**

સંસ્કૃતિરાણી  દેસાઈ

માતા-પિતા : તારિણીબહેન (વાર્તાકાર) – ડો. સુધીરભાઈ દેસાઇ (કવિ, નિબંધકાર અને ચિંતક)

અન્ય શોખ : (1) ભરતનાટ્યમ્ નૃત્યની તેર વર્ષ તાલીમ પ્રખ્યાત નેત્યાંગના અને  અભિનેત્રી શ્રીમતી વૈજયંતિમાલા  પાસે

(2) કરાટેની આઠ વર્ષ તાલીમ પછી બ્રાઉન બેલ્ટ એક સ્ટ્રાઈપ મેળવ્યો જાણીતા સેન્સાય પરવેઝ મિસ્ત્રી પાસે

(3) ભાષાઓ :  રશિયન, રાષ્ટ્રભાષા રત્ન (હિન્દી), બંગાળી અને સંસ્કૃત શીખીનૃત્ય (વૈજ્યંતીમાલા પાસે તેર વર્ષની તાલીમ)

વ્યવસાય – જનરલ મેનેજર   ઈન્ફર્મેશન ટેક્નોલોજી પબ્લિક લિમિટેડ કંપનીમાં રહ્યા બાદ, ઈન્ફર્મેશન ટેક્નોલોજી કન્સલ્ટન્ટ, વિઝિટિંગ અને ઍડજન્ક્ટ પ્રોફેસર જાણીતી મેનેજમેન્ટ કૉલેજોમાં મુંબઈ, ભારત અને ભારત બહાર

**

સૌજન્ય : શબ્દસૃષ્ટિ ‘કવિતા અને હું’ વિશેષાંક (લેખ ટૂંકાવીને)

2 Responses

 1. ખુબ વિગતવાર સર્જક પરિચય

 2. Parashar says:

  Rainbow like personality.
  I have read her poems. They are really carry some higher fragrance.

  I was close to her father, Shri Sudhirbhai, A king of his own kingdom
  .
  I wish from Sanskrutirani more creations.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: