અંકિત ત્રિવેદી

શબ્દોનાં વન ~ અંકિત ત્રિવેદી  

શબ્દોનાં વન, તારા નામનો પવન પછી જીવવાનું કેવું મજાનું

આ ગીતો તો ક્યારનાંય શોધે છે સાજન, તમને મળવાનું બહાનું…..

દર્પણ પૂછે છે રોજ, આંખો લૂછે છે રોજ, ચહેરો ખૂટે છે એક ગમતો

ઘરની ભીંતોને આજ ઘેલું લાગ્યું કે નવો પડછાયો મૂકવો છે રમતો.

કાનમાં કહું છું પેલા વાયરાની વાત, એમાં સંભળાતું નામ તારું છાનું…….

પીંછું પણ સામેથી મોરને શોધે છે એવા દિવસોને કહેવું પણ શું ?

ગીતોને પંક્તિની પાંખો ફૂટે એમ ઊઘડે છે આસપાસ તું

તું પણ શોધે છે રોજ મળવાનું બહાનું, એ વાત કહે કેમ કરી માનું ?…..

~ અંકિત ત્રિવેદી

ફરિયાદ વગરનો પ્રેમ હોય છે ખરો ? જવાબ ‘ના’ જ આવે પણ એ ફરિયાદની વાદળી આકાશે છવાય ત્યારે મનમાં કેવા મેઘધનુષ ચિતરાય છે એ તો કોઇ સોળ વરસની કન્યાને જઇને પૂછો તો ખબર પડે !!  અલબત્ત  કવિએ આમાં કન્યાની વય ઉઘાડી નથી પણ એ બિડાયેલીયે નથી… ઘરમાં પતંગિયાની જેમ આમતેમ ઊડાઊડ કરતી ને મોરલાની જેમ ટહુકતી છોકરીના ગળામાં જે ગીત ફૂટે છે એ એના સાજનને મળવાના બહાના રૂપે જ વળી !! મનમાં પ્રિતમને કહેવાની વાતો એવી અઢળક ભરી છે કે શબ્દોના જાણે વન ફૂટ્યાં છે ને એની ઉપર લહેરાય  છે એના નામનો પવન….

3 Responses

  1. વાહ ખુબ સરસ ભાવસભર રચના તાજગીસભર રચના અભિનંદન અંકિત ભાઈ

  2. ઉમેશ જોષી says:

    અંકિત ત્રિવેદીની રચના સરસ છે.

  3. હરીશ દાસાણી.મુંબઈ says:

    મુગ્ધાવસ્થાની અનુભૂતિને અનુરૂપ શબ્દો અને લય મારફત સર્જાતી નમણી નાજુક કવિતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: