સાંઈ મકરંદ દવેના આ ગીત પાછળની ઘટના Makarand Dave

સાંઈ મકરંદ દવેના માતુશ્રી માટે બહુ આદર થાય એવી ઘટના નીચેના ગીત પાછળ છુપાયેલી છે. કવિ આવા વાતાવરણમાં ઉછર્યા હતા ! ગીત : મળ્યો જી મુંને મોર છાપ પરવાનો..

કવિની સુરેશ દલાલે લીધેલી મુલાકાતમાં આ પ્રસંગ ટાંકેલ છે. (નવનીત સમર્પણ)

માની લાંબી માંદગીમાં હું એમની સાથે રહ્યો. કોઇ જાતની ફરિયાદ નહિ.હે મહારાજ, તમને ગમતું થાજો !” એ એમનું ધ્રુવવાક્ય. એમના અવસાન વખતે એક અદ્ભુત વસ્તુ બની.અગિયારસનો દિવસ હતો. મા કહે,

“બાબુ, મારે જવું છે.”

“ભલે બા.” મેં કહ્યું.

ત્રણ વાગવા આવ્યા હતા. કોઇની ગાડીમાં નાથાભાઇ આવ્યા. બાએ નાથાભાઇને કહ્યું,

“ ‘મા’ને કહો મને તેડી જાય.”

નાથાભાઈએ કહ્યું:”હા, ‘મા’ જરૂર તમને તેડી જશે.”

મારાં ભાભી, બહેન બધાં અક્ષરમંદિર ગયાં. કહ્યું,

મહારાજ, બાને લઇ જાઓ. આજે અગિયારસ છે.”

સાંજે ઘણા બધા મહેમાન આવ્યા હતા. બા જવાની તૈયારી કરતાં હતાં. કુટુંબીજનોએ બાના આશીર્વાદ લીધા. હું પગે લાગવા ગયો. ક્યાંય સુધી બા મને જોઇ રહ્યાં॰ પછી કહે,

જા, તું પહેલે નંબરે પાસ !”

મને એમ કે કદાચ એની ભૂલ થતી હશે. મને ઓળખી શક્યાં નહિ હોય. મેં કહ્યું,

બા, તમને ખબર છે કે હું બાબુ છું?”

બાએ કહ્યું: “ હા, તું બાબુ જ છો. એટલે કહું છું કે ‘જા તું પહેલે નંબરે પાસ.’ ”

આ મને એક મોટું સર્ટિફિકેટ મળી ગયું. આમ તો હું સ્કૂલ-કૉલેજમાં બહુ ભણ્યો નથી. આ સર્ટિફિકેટ ભગવાનને બતાવીશ તો મને નાપાસ નહિ કરે. પાસ માર્ક્સ તો આપશે જ. તેનું મેં કાવ્ય લખ્યું છે, ‘મો’ર છાપ પરવાનો.’ જ્ઞાનેશ્વરનું એક પદ છે: “હું તો સામાન્ય કાગળ છું. મારી કશી જ કિંમત નથી. પણ હુ મૂલ્યવાન છું, કારણ કે મારા પર રાજરાજેશ્વરની મહોર લાગી છે.”

મળ્યો, મળ્યો જી મુંને મોર છાપ પરવાનો,

રૂદિયો આ રુક્કો લઇ હું તો સત જહાજ ચઢવાનો.

આખરની વેળા આવી કે નેણે ભરી હુલાસ

માએ વેણ સુણાવ્યું, તું તો પહેલે નંબરે પાસ !

સાવ ઠોઠની પાટે પર આ લેખ ચડ્યો કિરપાનો.

મળ્યો જી મુંને મોર છાપ પરવાનો.

કાંઇ રળ્યું નહીં આ જીવતરમાં કાંઇ મળ્યું નહીં મોટું.

અરે! દેખ, સબ નરદમ ખોટી કરમ ધરમની દોટું,

ધન્ય બાબુ, તું ધન્ય ખરેખર, ફર ફર મન મસ્તાનો,

મળ્યો જી મુંને મો’ર છાપ પરવાનો.

હાડહાડમાં હેત ભર્યું જેને વેણ વેણ વરદાન,

દેખ, ઘરેઘર એ જ બિરાજે ભૂતળમાં ભગવાન.

હવે પાઈ દે બધે જીવતો પ્યાલો મરતી માનો.

મળ્યો જી મુંને મો’ર છાપ પરવાનો.

સૌજન્ય : નવનીત સમર્પણ (વર્ષ તારીખ મળ્યાં નથી)

4 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    મા એ મકરંદભાઇનું આત્મતેજ પારખી લીધું. તેથી જ પહેલે નંબરે પાસ કહી દીધું.

  2. Kirtichandra Shah says:

    This is Real Kavita

  3. વાહ સરસ વાત મા તો મા છે અભિનંદન

  4. Niva Joshi says:

    Khoob rachana.🙏🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: