ગુલામ મોહમ્મદ શેખ  

*સ્વજનને પત્ર *

હાંફળાહાંફળા મુસાફરો ગાડીમાં ગરકાવ થઈ જાય

તે પહેલાં

ગાડી

કથ્થાઈ બારીઓ પર બદામી કોણીઓ ટેકવી ઊભેલી,

દરેક વ્યક્તિના પેટમાંથી પસાર થઈ જાય છે.

ખાલી પાટા, બોગદું, પુલ,

વેઇટિંગ રૂમના બારણાનો ફરી ધ્રૂજતો આગળિયો.

મારા શરીરની આજુબાજુ તરતી

બે મનુષ્યોનાં શરીરની ગંધ

ક્ષણવારમાં ઊડી ગઈ.

એની સાથે મારા શરીરની ગંધેય ઊડી.

(હંમેશાં જનાર વ્યક્તિ જ જતી હોય એવું નથી;

દરેક વિદાય વખતે

વળાવનાર વ્યક્તિનો કોઈ અંશ

ગાડી સાથે અચૂક ચાલી નીકળે છે)

પાછો ફર્યો ત્યારે

કોરા પરબીડિયાં જેવું ઘર

મને વીંટળાઈ વળ્યું.

~ ગુલામ મોહમ્મદ શેખ

*********

*જેસલમેર *

મરુસ્થલે મોતીમઢ્યું આ નગર,
એને ટોડલે મોર અને ભીંતે ફરે હાથી,
ઝરૂખે ઝરૂખે પથ્થરનું હીરભરત.
બારીએ બારીએ બુઠ્ઠી તરવારોના તોરણ.
સાંજના અજવાળે ભીંતો નારંગી ચૂંદડીની જેમ ફરફરે,
બારણે લોઢાના કડે
આઠ પેઢીના હાથનો ઘસરકો.

ફળિયે ફરે બેચાર બકરાં શ્યામ
ડેલી બા’ર ડહેકાર દે કામઢું ઊંટ.

વચલી વંડીએ સુકાય રાતા ચીર
અંદરને ઓરડે ફુગાઈ ગયેલા અંધારે
ફરફરે ઢીલી વાટ.
લાલચટાક ચૂલાની ઝાળ અને ચૂંદડીના અજવાળે
રોટલા ટીપતી સોનેરી કન્યા.

~ ગુલામ મોહમ્મદ શેખ

ગુલામ મોહમ્મદ શેખ આંતરાષ્ટ્રિય ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર છે, કવિ છે. વડોદરામાં સુરેશ જોષીની મૈત્રીમાં કવિતા તરફ વળ્યા. ‘અથવા’ (1974), ‘અથવા અને’ (2013) એમના કાવ્યસંગ્રહો છે. આ ઉપરાંત બીજા પુસ્તકો પણ તેમણે આપ્યા છે.

‘અથવા’ના કેટલાંક કાવ્યો ગુજરાતી કવિતાનું મહત્ત્વનું સ્થિત્યંતર છે. આધુનિકતા સાથે પરંપરાગત અભિવ્યક્તિ સામે વિદ્રોહ અને શહેર સાથેના સંવેદનો જોડાયાં છે. ગુલામમોહમ્મદ શેખ આધુનિકતાવાદી અછાંદસ ગુજરાતી કવિતાના બળૂકા કવિ છે. એમના કાવ્યસર્જનને ચિત્રકારની વિલક્ષણ દૃષ્ટિનો લાભ મળ્યો છે. બળકટ ભાષાપ્રવાહ એમની કવિતામાં અનુભવાય છે.

1983માં એમને ‘પદ્મશ્રી’ એવોર્ડ પ્રાપ્ત થયો અને 2014માં ‘પદ્મભૂષણ’

2022માં એમને એમના આત્મકથનાત્મક નિબંધોના પુસ્તક ‘ઘેર જતાં’ માટે સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થઈ રહ્યો છે.

‘કાવ્યવિશ્વ’ તરફથી કવિને અઢળક અભિનંદન.   

5 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    ચિત્રકાર અને કવિ ગુલામમોહમ્મદની બંને કલાઓનો પારસ્પરિક સંબંધછે અને પ્રભાવ છે.તૈમની કવિતાની ચિત્રાત્મકતા આકર્ષક.

  2. Anonymous says:

    ખૂબ જ આનંદ અને ગૌરવની વાત. અભિનંદન

  3. આદરણીય ગુલામ મોહમ્મદ શેખ સાહેબને, એમના આત્મકથનાત્મક નિબંધોના પુસ્તક ‘ઘેર જતાં’ માટે સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થઈ રહ્યો છે. અભિનંદન., વડોદરા અને મહારાજા સયાજીરાવ યુનીવર્સીટીનું ગૌરવ છો આપ.

  4. ખુબ સરસ રચના અને ચિત્રકાર અેવા કવિ શ્રી ને ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

  5. પારુલ બારોટ says:

    Many congratulations…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: