ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ~ ગઝલ લખું છું Gulam Abbas

ગઝલ લખું છું , હૃદય પર તો ભાર હોવાનો,
ઉદાસી એટલે તારો વિચાર હોવાનો.

પ્રથમ નજરની રમત છે, નિખાર હોવાનો,
જુદાઇ હો કે મિલન માત્ર પ્યાર હોવાનો.

પ્રવાહ સીધી ગતિનો છે જિંદગી નહીંતર,
નજર જો ભટકે વિષાદો જ સાર હોવાનો.

સમયની આંખમાં આંખોને મેળવી રાખો,
રહે બેપરવાઈ ત્યારે પ્રહાર હોવાનો.

જગતના લોક તો પળમાં જ તારવી લે છે,
અધરની ચુપકીદી દુઃખનો પ્રચાર હોવાનો.

જીવનનું નામ લડત છે તો મળશે જખ્મો પણ,
બહુ જ પીડે એ મિત્રોનો વાર હોવાનો.

આ ભરતી ઓટ તો એક બોધ છે જીવન માટે,
ચઢાવ જેનો છે એનો ઉતાર હોવાનો.

નિહાળો દૂરથી નાશાદ હાસ્ય લોકોનું,
નિકટમાં એ જ પીડાનો પ્રકાર હોવાનો.

~ ગુલામ અબ્બાસ નાશાદ

હાસ્ય અને રુદનમાં ક્યાં તફાવત છે ? એકમાં મુખવટો તો બીજામાં ઉઘાડું…. છેલ્લો શેર વધુ ગમી જાય એવો છે.

*****

ગુલામ અબ્બાસ ‘નાશાદ‘ ~ મનમાં સળવળ ઈચ્છા જેવું

મનમાં સળવળ ઈચ્છા જેવું

જોયું  છે  મેં  સપના જેવું.

કાગળ કોરો મેજ ઉપર છે

ના સૂઝે કંઈ લખવા જેવું.

રાત ફરી લંબાતી ચાલી

ક્યાંય નથી અજવાળા જેવું.

કામ ખરેખર થાતું હો તો

હું પણ લઈ લઉં બાધા જેવું.

જખ્મી પગ પૂછે કે છે ક્યાં?

પગદંડી કે રસ્તા જેવું.

હાય્ હેલો છે સારા સંબંધ

પાસ નથી બહુ જાવા જેવું.

હાથ પ્રસારુ ઈશ્વર સામે

દિલમાં લાગે થડકા જેવું.

ભીડ નથી માફક તો નાશાદ

રહેવું પડશે અળગા જેવું.

~ ગુલામ અબ્બાસ નાશાદ

સરળતાનું સૌંદર્ય

*****

ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ~ એકધારું તાકતા

એકધારું તાકતાં થાકી નજર;
આભને જોયા કર્યું કારણ વગર,

માર્ગમાં અટવાઈ જાવાનું થયું;
લક્ષ્ય વિસરી ગઈ છે શ્વાસોની સફર.

આ ઉદાસી એટલે એનું પ્રમાણ;
કોશિશો નિષ્ફળ, દુઆઓ બેઅસર.

ભરવસંતે પાનખર જેવી ઋતુ;
એક પણ ટહુકો ન ગુંજ્યો ડાળ પર.

ભાવિને શણગારવાની હોડમાં;
હું જમાનાથીય છું તો બેખબર.

આ ભલા કેવું સુરાલય છે કે જ્યાં;
આંખમાં આંસુ ને કોરા છે અધર.

મુંઝવણ ‘નાશાદ’ હંમેશાં રહી;
આપણું કહેવાય એવું ક્યાં છે ઘર !

ગુલામ અબ્બાસ ‘નાશાદ’

ઉદાસીના કારણ આપી શકાય. કવિ જ ઉદાસીના પ્રમાણ આપવા ઇચ્છે ! વાહ …

10 Responses

  1. વાહ ત્રણે રચનાઓ ખુબ માણવા લાયક બહુ પીડે અે મિત્રો નો વાર હોવાનો પીડા તો બીજા કરતા આપણા જ વધુ આપતા હોય છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

  2. Wahhh
    સુંદર ગઝલો

  3. નાશાદ વડોદરામાં અત્યારે સિનીયર મોસ્ટ ગઝલકાર છે. ગઝલ, નઝમ, તઝમીન, મરશિયા જેવા અનેક કાવ્ય પ્રકારોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. આ સિવાય નવલકથા, આસ્વાદ, અવલોકનો પણ કર્યા છે. ગઝલકારોની એક આખી પેઢી એમના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ છે. ઉપરોક્ત ગઝલો એનો બોલતો પૂરાવો છે. મને એનો નજીકનો મિત્ર હોવાનો ગર્વ છે.

  4. ઉમેશ જોષી says:

    મનમાં સળવળ ઇચ્છા જેવું..
    વાહ સરસ મત્લાનો શેર…
    ત્રણેય ગઝલ ખૂબજ સરસ અને હ્રદયસ્પશીઁ છે..
    અભિનંદન.

  5. kishor Barot says:

    ગુજરાતી ગઝલનું એક મોંઘુ ઘરેણું એટલે ગુલામ અબ્બાસ ‘નાશાદ’

  6. અશોક જાની 'આનંદ' says:

    ત્રણે ગઝલ અફલાતૂન..!!

  7. અમારા કવિ સંગત, વડોદરાના ગુરુ નાશાદ સાહેબને કાવ્ય વિશ્વમાં વાંચી ખૂબ જ આનંદ થયો. કવિ મિત્ર ‘નાદાન’ ની વાત સાથે સંપૂર્ણ સહમત છું.

  8. ગુલામ અબ્બાસ નાશાદ says:

    આભાર

  9. ગુલામ અબ્બાસ નાશાદ says:

    ખૂબ ખૂબ આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: