કૈલાસ પંડિત ~ ચમન તુજને * Kailas Pandit

ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે.
અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,
ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.
ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.
ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.
મરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ જ,
કફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે. – કૈલાસ પંડિત
ખૂબ જાણીતી લોકહૈયે વસેલી રચના. સરળ શબ્દો અને એટલી જ સરળ સહજ રજૂઆત, જાણે સીધી હૃદયમાંથી નીકળી છે… આવા ઉદાસ તરન્નુમને મનહર ઉધાસ જેવો કંઠ મળે ત્યારે… દિલના દ્વાર ખૂલે પછી આંખ બંધ થઇ જ જાય…નીચેની લિન્ક પર ક્લિક કરો અને મનહર ઉધાસના સ્વરમાં સાંભળો…
કૈલાસપંડિત ની ખુબ જાણીતી ગઝલ અને મનહર ઉધાસ નો કંઠ પછી તો પુછવુજ શું આભાર લતાબેન
કવિ કૈલાસ પંડિતની આ ગઝલ વેદનામય અભિવ્યક્તિમાં શિરમોર છે, મારી ગમતી ગઝલ, ગાયકી પણ.
કૈલાશ પંડિત ફક્ત ત્રેપન વરસની આવરદા ભોગવી આપણી વચ્ચેથી જતાં રહ્યાં એ દુઃખ પહાડ સમું છે…તેમની ગઝલમાં હંમેશ દરદ વહેતું વહેતું ભાવકના ચિદાકાશને ઝકઝોરી નાંખે છે… બીજાં કૈલાસ પંડિત કોઈ નહીં અવતરે… અને આપણાં મનહર ઉદાસે તેમનો કંઠ આપીને કૈલાસની ગઝલને એક ઉચ્ચાઈ આપી છે…લતાબેન આપનો ખૂબ ખૂબ આભાર…!