જ્યેન્દ્ર શેખડીવાળા ~ લગ્નિલ કન્યાનું ગીત * Jayendra Shekhadiwala

ઝાંખા સોળ વરસના દીવા, પાછળ મેલ્યાં પાદર કૂવા,
અમને લઈને ચાલ્યા રે ભૂવા પરદેશના.

અમને કાજળકાળી રાતે ઝમ્મર ગુલમહોરુંની શાખે
ડંખ્યાં એરુનાં અંધારાં, મારા રાજ્વી!
ઝામણ ઝેર ચડ્યું રે અંગે પાંગત બોલી પડધા સંગે
અમ્મે સાવ થયાં નોંધારાં, મારા રાજવી!
ઝમરખ અજવાળાં રે પીવાં, પાછળ મેલ્યાં પાદર કૂવા,
અમને લઈને ચાલ્યા રે ભૂવા પરદેશના.

આંખે વાદળ ઝૂક્યાં એવાં, ઝરમર ફટ્ટાણાના જેવાં
મેડી સ્હેજ ધરુજી બોલી, મારા રાજવી!
ચૈતર હોય તો વેઠું તડકો, તમે સૂકી વાડનો ભડકો
સૈયર એમ કહે છે ઓલી, મારા રાજવી!
એવાં ઝળહળ જળને પીવા, પાછળ મેલ્યાં પાદર કૂવા,
અમને લઈને ચાલ્યા રે ભૂવા પરદેશના.

~ જયેન્દ્ર શેખડીવાળા

‘સ્વપ્નિલ’ પરથી બનાવેલ શબ્દ ‘લગ્નિલ’ ધ્યાન ખેંચે છે. આ કાવ્ય ઘણા વર્ષો પહેલાં લખાયું હશે એટલે પતિ માટે શબ્દ વપરાયો છે, ‘ભૂવા પરદેશના’ ! જ્યાં કુંવારા વર્ષો વીતાવ્યા એ સ્થળ, પોતાનું ઘર છોડવાનું છે એટલે ત્યાંના દીવા ઝાંખા થયા છે. પ્રથમ રાત્રિના મિલનની પણ વાત છે, ખૂબ સંયત સ્વરોમાં.

આજે સાથે જ મૂકાયેલું બીજી રચના પણ જુઓ… એ ય મુગ્ધાવસ્થામાં જીવતી કન્યાનું ગીત છે પણ કેટલું જુદું ! 

ધારો કે આંખ હો કુંવારી કન્યકા
તો પાંપણે ફરક્યું તે કોણ ?

ધારો કે ફરક્યું તે નૈં કહું – નું નામ
તો હોઠ પરે મલક્યું તે કોણ ?

ધારો કે મલક્યું તે અમથું ગુલાબ
તો યાદ જેવું મ્હેંક્યું તે કોણ ?

ધારો કે મહેક્યું તે આષાઢી આભ
તો મન મૂકી ગહેક્યું તે કોણ ?

ધારો કે ગહેક્યું તે જોયાનું સુખ
તો સપનામાં વરસ્યું તે કોણ ?

ધારો કે વરસ્યું તે નિંદરનું રાજ
તો ઝબકીને તરસ્યું તે કોણ ?

ધારો કે તરસ્યું તે પૈણ્યાનું મન
તો મન મહીં થરક્યું તે કોણ ?
સખી ! નજરુંમાં સરક્યું તે કોણ ?

~ જયેન્દ્ર શેખડીવાલા

5 Responses

  1. કવિ શ્રી જયેન્દ્ર શેખડી વાળા ના બન્ને ગીતો ખુબ સરસ કન્યા વિદાય અને જુના સમય ના શબ્દપ્રયોગ કાવ્ય ને ખુબ ઉઠાવ આપે છે સાન મા કોઈ વાત તો કવિ જ કહી શકે વાહ ખુબ ગમ્યા આભાર લતાબેન

  2. ઉમેશ જોષી says:

    કવિ જયેન્દ્ર શેખડીવાળાની બન્ને ગીત રચના ખૂબ ખૂબ સરસ અને મમળાવવી ગમે એવી છે…અભિનંદન..

  3. Anonymous says:

    પ્રિય કવિ જયેન્દ્ર શેખડીવાળાની બન્ને રચનાઓ ગીત અને ગઝલ
    ખૂબ સરસ

  4. બંને રચનાઓ ખૂબ જ સરસ છે, બીજી રચનામાં ધારો કે ….. થી… કોણ સુધી પહાંચવાની મજા પડે છે.

  5. Ramila says:

    ખૂબ જ સુંદર બંન્ને ગીત,સર મને પણ તમારી રચના વાંચી,લખું છું

    ધારો કે ટહુક્યો એ મનનો મોરલો,
    તો વળી કા-કા કર્યું તે વળી કોણ?
    કા-કા કર્યું ઈ તો કદરૂપો માનવી,
    તો ઊંચેરું જડ્યું તે વળી કોણ?
    ઊંચેરું જડ્યું ઈ તો આકાશી તારલા,
    તો વળી ધરતીનું જણ્યું તે વળી કોણ?
    ધરતીનું જણ્યું ઈ તો સુરાશૂરવીર,
    તો વળી જીવતા મડદા તે વળી કોણ?
    છાયાંમાં રાચતા ને સ્વ સુખમાં જીવતાં માયકાંગલા નહિ તો વળી કોણ?

    આભે જડ્યું ઈ તો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: