અમૃત ઘાયલ ~ અમે ધારી નહોતી

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.

કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી!
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.

અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી,
કરી લીધી જીવન તારી તરફદારી કરી લીધી.

ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.

મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!

ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.

કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.

મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.

હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ઘાયલ,
અમારે વાત બે કરવી હતી પ્યારી, કરી લીધી….  

~ અમૃત ઘાયલ

*****

અવનવા પ્રસંગો છે, મુજ રીતે લડી લઉં છું
કો’ સમે હસી દઉં છું, કો સમે રડી લઉં છું

વિશ્વથી અનોખી છે, રીત મુજ વિલાપોની
હાસ્યને બહાને પણ ખૂબ હું રડી લઉં છું

લાખ વાતે મનગમતું આ નથી ઘડાતું મન
જિંદગી તો જેવી હું ચાહું છું ઘડી લઉં છું

સ્વર્ગ હો કે હો પૃથ્વી દૂર ક્યાં જવાનીથી
એક ફાળમાં બંને દુનિયા આથડી લઉં છું

હુંય એ વિચારું છું, આ કઈ બિમારી છે,
હેતુ વિણ હસી દઉં છું, અર્થ વિણ રડી લઉં છું

કર્મ કો’ છે ક્યાં ‘ઘાયલ’ કીર્તિ લોભથી ખાલી
પુણ્યના સહારે પણ પાપમાં પડી લઉં છું.

~ અમૃત ઘાયલ

ઘાયલસાહેબને એમની પૂણ્યતિથિ પર સ્મૃતિવંદના

3 thoughts on “અમૃત ઘાયલ ~ અમે ધારી નહોતી”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    અમૃત ઘાયલ એક સાર્થક નામ છે. કવિતાનું અમૃત પીવડાવે અને શેરમાં ચોટ તો એવી જોરદાર કે શબ્દબાણથી ક્ષણમાત્રમાં આપણને ઘાયલ કરે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *