રુસવા મઝલુમી ~ મોહતાજ ના કશાનો

મોહતાજ ના કશાનો હતો, કોણ માનશે?
મારો ય એક જમાનો હતો, કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો કોણ માનશે?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો, 
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?

રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા, 
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?

~ રુસવા’ મઝલુમી

આજની પેઢીને ‘આ માણસ બહુ મઝાના હતા’ એ યાદ રહેશે ? નવાબી જતાં એમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો. એથી જ તો કવિ લખે છે, ‘મારો ય એક જમાનો હતો, કોણ માનશે?’ પરંતુ એમણે પોતાની મગરૂબી અને ખુદ્દારી છોડી ન હતી. જુઓ કવિ કહે છે,

સદા રહેશે અમારો આ નવાબી ઠાઠ ઓ ‘રૂસ્વા’ ,
ખરો વૈભવ તો મનમાં હોય છે, ધનમાં નથી હોતો.  

*****

***

સુરેશચંદ્ર 13-12-2021

દરબારી મિજાજ અને ખુમારીથી છલકાતી ગઝલ ખૂબ ગમી

સુરેશ જાની 11-12-2021

આ જ રદ્દિફ અને કાફિયા પર …
દુ:ખમાં જીવનની લા’ણ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે?

શૈયા મળે છે શૂલની ફૂલોના પ્યારમાં!
ભોળા હ્રદયને જાણ હતી, કોણ માનશે?

લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ મનશે?

ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો!
પીડા જ રામબાણ હતી, કોણ માનશે?

આપી ગઈ જે ધાર જમાનાની જીભને,
નિજ કર્મની સરાણ હતી, કોણ માનશે?

જ્યાં જ્યાં ફરુકતી હતી સૌન્દર્યની ધજા,
ત્યાં ત્યાં પ્રણયની આણ હતી, કોણ માનશે?

પાગલના મૌનથી જે કયામત ખડી થઈ,
ડાહ્યાની બુમરાણ હતી, કોણ માનશે?

– ‘શૂન્ય’ પાલનપુરી

છબીલભાઈ ત્રિવેદી 11-12-2021

આજે પાજોદ દરબાર સાહેબ ના જન્મદિવસ નિમિતે તેમની ખુબજ ઉમદા રચના ખુબ મજા આવી ગઈ રુસ્વા સાહેબે પોતાનુ પાજોદ સરદાર પટેલ ને સામે થી સુપ્રત કર્યું હતું અને ઘાયલ સાહેબ તથા શુન્યપાલનપુરી તેમના ઘરે પાજોદ રહેતા

હતા,,, મારોય અેક જમાનો હતો કોણ માનશે

રેખાબેન ભટ્ટ 11-12-2021

વાહ, અદ્ભૂત રચના.. કાવ્યવિશ્વ થકી માણવા મળી.

5 Responses

  1. ખુબ ઉમદા રાજવી અને મહામાનવ રુસ્વા મજલુમી પાજોદ દરબાર હતા પાજોદ ના રાજા હતા અને આઝાદી વખતે સૌથી પહેલાં તેણે સરદાર વલ્લભભાઈ પટેલ ને પોતાનુ પાજોદ સ્ટેટ સોંપી દિધુ હતુ તેમની ખુબ જાણીતી રચના આભાર લતાબેન

  2. ખૂબ જ સુંદર ગઝલ માણવા મળી.દરેકનો એક પોતાનો ‘જમાનો’ હોય છે, એમનોય હતો. શાયર ‘રુસવા’ મઝલુમીને સ્મૃતિ વંદન.

  3. Anonymous says:

    ગઝલની છેલ્લી પંક્તિઓમાં રસવાજીની ખુદ્દારી આબાદ આલેખાયેલી છે.

  4. એક ઉમદા રાજવી અને કવિ શ્રી રુસ્વા મઝલુમીજીની ખૂબ જાણીતી ગઝલ વાંચી. એકેએક શેરમાં જિંદગીની ચડ ઉતર બખુબી વ્યક્ત થઈ છે. શાયરશ્રીને સ્મૃતિ વંદના.

  5. હરીશ દાસાણી.મુંબઈ says:

    રરુસ્વા અને અમૃત ઘાયલના ઉષ્માભર્યા સંબંધો હતા.આ પારંપરિક ગઝલ રુસ્વાની યશસ્વી રચના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: