ડો. આઈ કે વીજળીવાળા ~ એક દિ મમ્મી

એક દિ’ મમ્મી નાની થઈ ગઈ ને હું થઈ ગઈ મોટી

મેં એને નવડાવી દીધી લઈ સાબુની ગોટી….. 

ભેંકડા એણે બહુ જ તાણ્યા, કર્યું બહુ તોફાન

મેં પણ એનું માથું ધોયું પકડીને બે કાન

તૈયાર કરીને માથે એને લઈ દીધી બે ચોટી.

એક દિ’ મમ્મી નાની થઈ ગઈ ને હું થઈ ગઈ મોટી…… 

એને ભલે રમવું હોય પણ લેસન હું કરાવું

વહેલી વહેલી ઉઠાડી દઉં, બપોરે સુવડાવું

બપોર વચ્ચે ગીતો ગાય તો ધમકાવું લઈ સોટી

એક દિ’ મમ્મી નાની થઈ ગઈ ને હું થઈ ગઈ મોટી…… 

દોડાદોડી કરે કદી તો બૂમબરાડા પાડું

ચોખ્ખી લાદી બગાડે તો ફટકારી દઉં ઝાડુ

તોફાન કરે તો ખીજાતી, આંખો કાઢી મોટી.

એક દિ’ મમ્મી નાની થઈ ગઈ ને હું થઈ ગઈ મોટી  

ડો. આઈ કે વીજળીવાળા

જી, આ બાળકાવ્ય છે પણ યાદ રહે, એ એક બાળનિષ્ણાત ડોકટરે લખ્યું છે. બાળકના મુખે કહેવાયેલી સીધી-સરળ લાગતી વાતમાં ઊંડું મનોવિજ્ઞાન વણાયેલું છે. બાળઉછેરનો પાયાનો સિદ્ધાંત સમાયેલો છે. માબાપ પોતે જે રીતે વર્તે છે એની અસર બાળક પર શું થાય છે એ જો સમજાય તો એક નવો શાંતિપૂર્ણ સમાજ જન્મે. બાળઉછેર એ સમાજનો પાયો છે અને આ તબક્કે જે ભૂલો રહી જાય છે એ સમાજમાં તમામ બદીઓ ઉત્પન્ન કરે છે. નાના બાળકની નાનકડી ભૂલ બદલ એને માર પડી શકે છે, એ જ બાળક યુવાન થાય ત્યારે ઘણી મોટી અને ગંભીર ભૂલ બદલ પણ એની સામે હાથ ઉગામી શકાતો નથી. કારણ એ જ કે બાળક નિર્બળ છે, સામું નહીં થાય ! અહીં કવિએ હળવી વાતો સમાવી છે પણ બાળક સાથે બળજબરી કરવાનું પરિણામ ખોટું આવે છે. એની અસરો બાળક જીવનભર ભોગવે છે. 

પાયલોટથી માંડીને પટાવાળા સુધીના કામ માટે યોગ્યતાની, ડિગ્રીની જરૂર પડે છે પણ માબાપ બનવા માટે કોઈ યોગ્યતાની જરૂર નહીં ! યુવાન-યુવતીને માબાપ બનતાં પહેલાં બાળઉછેરની તાલીમ આપવી અત્યંત જરૂરી છે.

‘પેરંટીંગ ફોર પીસ’ –  (P4P)  સંસ્થા આ દિશામાં પાયાનું અને ખૂબ મહત્વનુ કામ કરી રહી છે. 

‘સમયને સથવારે’, ‘પળોના પડછાયા’ ‘મનનો માળો’, ‘સાયલન્સ પ્લીઝ’ જેવાં અનેક લોકપ્રિય અને સમાજોપયોગી પુસ્તકો આ કવિ/લેખકે આપેલાં છે.     

28.1.21

Purushottam Mevada, Saaj

13-04-2021

કવિ-લેખક વિજળીવાળાની કવિતામાં સુંદર ભાવ છે. બાળ માનસનો આપનો વિસ્તાર ગમ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: