રમણીક અગ્રાવત ~ ચૂલે ચડ્યા

ચૂલે ચડ્યા રોટલા મઘમઘ આખુંય ઘર,

ઘી માખણની સોડમે સઘળું કૈં તરબતર.

બઠ્ઠા પાડે બાજરો રગમાં ચડતું જોમ,

લીલા લીલા કેફથી ફરકે રોમેરોમ.

દહીં ભરેલું છાલિયું મીઠું મરચું હોય,

જીરુંનો છણકો જરી ના પાડે ના કોઈ.

પીવાનાં સુખ છાશનાં પીવો તો સમજાય,

અમરતના કૈં ઘૂંટડા હલક હેઠ ઠલવાય.

બેસે જીભ પર ડુંગળી તરતો સરતો સ્વાદ,

હાલકડોલક ભાનમાં અજબ ગજબ સંવાદ.

કડકડતો હો રોટલો ને વાળુમાં દૂધ,

લીલા લબરક કેફમાં આતમ થાતો શુદ્ધ.

રમણીક અગ્રાવત

સુખનો રોટલો વાંચતાં જ મુખમાં અમી છૂટે, પેટ ભરેલું હોય તોય. અમને કાઠિયાવાડી લોકોને તો આટલું મળે તો જાણે લીલાલહેર. બત્રીસ પકવાન આની આગળ ઝાંખા પડે. તૃપ્ત કરી દે શબ્દો, લય, કાવ્યત્વથી પણ…… 

29.1.21

***

કિશોર બારોટ

13-04-2021

ગ્રામ્ય પરિવેશની મીઠી સોડમથી મોંમાં પાણી આવી ગયું.
રમણીક ભાઈને રાજીપભર્યા અભિનંદન

અમુલ વ્યાસ

13-04-2021

ખૂબ ખૂબ સુંદર કામો થાય છે. રમણીક ભાઈ ની સુંદર રચના ખુબ ગમી.
લતા બહેન આપને ખૂબજ ધન્યવાદ?

Purushottam Mevada, ,Saaj

13-04-2021

શ્રી રમણીકભાઈની કવિતા આપણી. ગામડું યાદ ના કરાવે તો જ નવાઈ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: