નલિન રાવળ ~ કાલ લગી * Nalin Raval

કાલ લગી

પોચું જાણે પલળેલા પૂંઠા જેવું આભ

આજ

કડક જે પાપડ અને સારેવડા જેવું,

કાલ લગી

લથરબથર અંગે ભીંજાયેલા મકાનો

જે ફડકમાં વ્હીલાં ભીરુ કો ટોળાં જેવાં

આજ

શિયાળવા જેવાં સહુ લુચ્ચાં,

કાલ લગી

શ્હેરના સૌ લત્તા

ચીનાઓની આંખ જેવાં લાગતા’તા ઝીણા

આજ

સમાચાર પત્રોના હેડિંગ જેવાં પહોળા,

કાલ લગી

વૃદ્ધના ગળેલ ખોટા પગ જેવો

વિચારોમાં કોરાકટ મન જેવો

આજ    

કવિતાના લયબદ્ધ છંદ જેવો તાજો

તડકો કડાક કોરો પહેરીને હું નીકળ્યો છું.

નલિન રાવળ

સમય વસમો છે. આઘાત ઉપર આઘાત. શાયર ખલીલ ધનતેજવીની વિદાયથી હજુ મન ભીનું છે ત્યાં બીજા એક મોટા ગજાના કવિ નલિન રાવળ ‘કવિતાના લયબદ્ધ છંદ જેવો કડાક કોરો તડકો પહેરી’ ગઇકાલે જ આપણી વચ્ચેથી ચાલી નીકળ્યા. હવે આપણી વચ્ચે સચવાઈ રહેશે તડકા જેવો એમના શબ્દોનો પ્રકાશ.

17મી માર્ચ 1933ના રોજ અમદાવાદમાં જન્મેલા આ કવિ પ્રિયકાન્ત મણિયારના સમકાલીન. સામસામે ઝરૂખામાંથી એકબીજાને કવિતા સંભળાવતા. 1962માં એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઉદગાર’ પ્રગટ થયો. એ પછી ‘અવકાશ’, ‘લયલીન’, ‘મેરી ગો રાઉન્ડ’, ‘આહલાદ’, ‘આફ્રિકન સફારી કાવ્યો’ અને ‘સૌરભ’ 2015માં પ્રગટ થયો. કવિ યોગેશ જોશીએ ‘અવકાશપંખી’ – શ્રી નલિન રાવળની સમગ્ર કવિતા’નું સંપાદન કર્યું છે.

રણજિતરામ સુવર્ણચંદ્રક અને નરસિંહ મહેતા એવોર્ડથી એમની સાહિત્યયાત્રા ગૌરવાન્વિત છે.

કવિનો આત્મા શુભ્ર ધવલ પ્રકાશમાં વિલસે એવી પ્રાર્થના.         

6.4.21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: