ખલીલ ધનતેજવી ~ ચૂંટેલા શેર * Khalil Dhantejavi

ગઇકાલે ચાર એપ્રિલે કવિ ખલીલ ધનતેજવીનું દેહાવસાન થયું. એક મોટા ગજાના દિલાવર શાયરને આપણે ગુમાવ્યા. એમના ખૂબ જાણીતા શેર અહીં યાદ કરીને એમને શ્રદ્ધાંજલી પાઠવીએ.

મરણ વિશેના એમના શેર

મારું ના હોવું ખટકશે, કોક દિ’ કહેશે કોઈ :
આજ તો ધનતેજવી પણ આપણી વચ્ચે નથી. – ખલીલ ધનતેજવી

નોંધ ક્યાં થઈ મારી હયાતીની,
હું મરણ બાદ ઓળખાયો છું! – ખલીલ ધનતેજવી

સાવ ખાલી હાથે પણ આલીશાન જીવ્યો છું
મેં સતત ગઝલ માફક, જિંદગી મઠારી છે. – ખલીલ ધનતેજવી

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,
ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી. – ખલીલ ધનતેજવી

હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,
જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો. – ખલીલ ધનતેજવી

કવિના થોડાક અન્ય લોકપ્રિય શેર

હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું,
કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું. – ખલીલ ધનતેજવી

ઓસરીના દીવા પર આપને ખુમારી છે,
મેં ય વાવાઝોડાની આરતી ઉતારી છે. – ખલીલ ધનતેજવી

ઝાપટાં શું છે ખલીલ આપણને હેલી જોઈએ,
બંને જણ મન મૂકીને વરસે તો વાત આગળ વધે! – ખલીલ ધનતેજવી

હું ખલીલ એવા સમયમાં છું હવે,
જ્યાં સદી કરતાંય ક્ષણ મોટી મળી. – ખલીલ ધનતેજવી

કોઈ સ્થળે બેચાર મરે છે, ક્યાંક કશે દસબાર મરે છે;
હિન્દુ મુસ્લિમ બંને સલામત, માણસ વારંવાર મરે છે.

– ખલીલ ધનતેજવી

5.4.21

શાયર ખલીલ ધનતેજવીના અવાજમાં ગઝલપઠન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: