જયેન્દ્ર શેખડીવાળા ~ હોય છે * Jayendra Shekhadiwala

તું પરિચિત શબ્દના અજવાસ જેવી હોય છે
કે ગઝલમાં ઓગળેલા શ્વાસ જેવી હોય છે.

વાંચજો ઊભા રહી વરસાદમાં મારી કથા
જે કથા ગોરંભતા આકાશ જેવી હોય છે.

ઘાસ સૂતી ચાંદનીના સમ મને ના હો તમે
ચંદ્રનીય અવદશા નિર્ઘાસ જેવી હોય છે.

પહાડથી ઉન્નત કશું હોતું નથી આ વિશ્વમાં
પણ નજર મારી જુઓ અવકાશ જેવી હોય છે.     

ફૂલના ઉપચારમાં એને કદી લઈ આવજો
જે દવા એની નરી સુવાસ જેવી હોય છે. 

જયેન્દ્ર શેખડીવાળા

વાત પ્રણયમાં ઓગળતા શ્વાસની છે. વાત પ્રેમીજન ન હોય ત્યારે ઉત્પન્ન થતા અવકાશની છે. વાત સૂક્ષ્માતિસૂક્ષ્મ સુવાસની છે. લગભગ દરેક શેર પ્રણયના શ્વાસોચ્છવાસને લપેટીને આવેલો છે પણ વાહ પોકારી જવાય એવી વાત ત્રીજા શેરમાં. ઘાસ પર પથરાયેલી ચાંદનીને શો દરજ્જો આપ્યો છે કવિએ ! અને ‘નિર્ઘાસ’ શબ્દ ! વ્યાકરણની દૃષ્ટિએ તો બને. પણ કવિતામાં પ્રયોજવો અને એય ચંદ્રની દશા દર્શાવવા ! વાહ વાહ વાહ !!!  

7.4.21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: