કિશોર જિકાદરા ~ તમે આજે, તમે કાલે * Kishor Jikadara

નહીં આવો ?

તમે આજે, તમે કાલે, તમે પરમેય નહીં આવો ?
કહો અશ્રુ ભરેલી આંખની શરમેય નહીં આવો ?

તમે શેરી,  તમે આંગણ, તમે આ ખોરડે ક્યાંથી ?
કબૂલ મંજૂર છે અમને બધી શરતેય નહીં આવો ?

સવારે પણ, બપોરે પણ અને રાતેય ખૂલ્લાં છે,
તમે ક્યારેય શું આ દ્વારની પડખેય નહીં આવો ?

અરે આવ્યાં,  ખરે આવ્યાં, ભલે આવ્યાં, રટું છું હું,
કદી સાચા, કદી ખોટા, તમે અરથેય નહીં આવો ?

વચન લીધાં,  વચન દીધાં, વધારે શું કહું તમને ?
તમે બાંધી મુઠ્ઠીના ભેદ કે ભરમેય નહીં આવો ?

ગયા દિવસો,  ગયા માસો,  ગયાં વરસો પ્રતિક્ષામાં,
કહું ક્યાં અબઘડી,  ઝાઝા તમે અરસેય નહીં આવો ?

અમારી વાત છેલ્લી આ,  કદાચિત ના ગમે તમને,
બધી મારી,  તમારી એક પણ ગરજેય નહીં આવો ?

કિશોર જિકાદરા

પ્રિયજન સતત ભાવ ખાય, તમને દાદ પણ આપે ! તમારી સઘળી માગણીઓ સુની-અનસુની કરી દે.  ત્યારે લાગણીશીલ માણસ જો કવિ હોય તો  એની વ્યથા કેમ ઠાલવે ? આ વાત ઋજુ હૃદયના કવિ  ખુદ કહે છે કે એટલે જ આ મક્તા આવ્યો : તમે આજે….  તમે કાલે….  તમે પરમેય…… નહીં આવો ?  અમે તો કહી કહીને થાક્યા…. શું તમે નહીં આવો ?’ નહીં આવો…. નહીં આવો…. રદ્દીફમાં કેવો તીવ્ર આવકાર ઘૂંટેલો છે… !! ને પરાકાષ્ઠા તો ત્યાં આવે છે  કે શું તમે અશ્રું ભરેલી આંખની શરમેય નહીં આવો ?      

‘હઝજ’ છંદ ના લગાત્મક રૂપમાં બધા જ શેર અદભુત થયા છે. છેલ્લા શેરમાં આવેલો શાયરનો અસલ મિજાજ આખી ગઝલને એક જુદી ઊંચાઈ પર લઈ જાય છે,  સામેના પાત્રને  યાદ અપાવે છે કે સંબંધમાં તો બન્નેને સરખી ગરજ હોવી જોઈએ !! – પરબતકુમાર નાયી

13.5.21

***

લલિત ત્રિવેદી

18-05-2021

સરળ…. સરસ ગઝલ
કવિ શ્રી કિશોર ભાઈની એ વિશિષ્ટતા છે… સરળ સરસ ગઝલ

Vishnu Panchal

16-05-2021

સુંદર રચના અને એવો જ સુંદર આસ્વાદ, દર્દસાહેબ!

કહેવાય છે કે પ્રેમ હાર માનતો નથી. વિવિધ સંજોગો પ્રસ્તુત કરી, ‘નહીં આવો’ એવા વારંવાર પ્રશ્નાર્થો દ્વારા ઉત્કટ પ્રતીક્ષા અને ઝુરાપો રજૂ થાય છે.

‘અમારી વાત છેલ્લી આ’ દ્વારા પ્રેમની પરાકાષ્ઠા પ્રગટે છે. પેલી જાણીતી પંક્તિઓ છે ને…

“કાગા સબ તન ખાઇયો,
ચુનચુન ખાઈયો માંસ,
દો નૈના મત ખાઈયો,
મોંહે પીયા મીલનકી આસ.”

આભાર.

ડો. પરુષોત્તમ મેવાડા, સાજ

13-05-2021

કવિ ની સંવેદના, ખૂબ જ સરળ શબ્દોમાં રજૂ થઈ છે, વિનંતી, આશા અને નિરાશા એકી સાથે આવે છે. ખૂબ સરસ નઝનુમા ગઝલ.

kishor Barot

13-05-2021

સુંદર ગઝલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: