જાતુષ જોશી ~ અથાતો બ્રહ્મજિજ્ઞાસા

ભલે આકાશ છલકાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસા
પળેપળ આજ મન થાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

અટારી સપ્તરંગી આભમાં ઝળહળ ઝળહળ ઝળકે
સતત ત્યાં કોણ ડોકાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

બધી રજકણ ચરણરજ છે, પવન પણ પત્ર કેવળ છે
કિરણ થઈ કોણ ફેલાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

અચાનક એક પીંછું પાંપણે અડકી ગયું રાતે
વિહગ શું ત્યાં જ સંતાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

નિશા કાયમ ગગનના કુંભમાં નકરું તમસ રેડે
તમસ ટપકીને ક્યાં જાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

જાતુષ જોશી

‘અથાતો બ્રહ્મજિજ્ઞાસા’ અર્થાત અહીંથી બ્રહ્મ વિષયક વિચારણા શરૂ થાય છે. આવા કઠિન અને ઊંડાણભર્યા શબ્દગુચ્છને લઈને ગઝલ મળવી મુશ્કેલ છે ! કેમ કે એની સાથે બાકીની દોઢ પંક્તિ નિભાવવા માટે જે અધ્યયન, સમજ અને વિચારોનું ઊંડાણ જોઈએ એ સૌને માટે સહેલું નથી જ હોતું ! ગઝલ પણ દુન્યવી સીમાડા તોડીને બ્રહ્મમાં વિહાર કરાવે એ ન્યાલ કરી દે એવી વાત છે !

કવિના સ્વરમાં આ રચના સાંભળો : ઓગળી રે જાવું મારે .. ઓગળી રે જાવું ગુરુજી….  કાંઇ નથી થાવું મારે, ઓગળી રે જાવું…. 

17.5.21

રચના અને સ્વર : જાતુષ જોશી

***

મૌલિશ સોલિડ મહેતા

23-05-2021

વાહ જાતુષભાઇ

છબીલભાઈ ત્રિવેદી

18-05-2021

જાતુષ જોશી નુ કાવ્ય ખુબજ ગમ્યું મોર ના ઈંડા ને ચિતરવા ન પડે પિતાજી ના ગુણ પુત્ર મા આવતા હોય છે, જે કોમેન્ટ મારા મા ખુલે તેમા લખતો હોવ છુ તો દરગુજર કરશો આભાર લતાબેન

લલિત ત્રિવેદી

18-05-2021

વિશિષ્ઠ રદીફ…. સરસ નિભાવ… સરસ ગઝલ
અભિનંદન

વિવેક ટેલર

17-05-2021

સરસ મજાની ગઝલ… આસ્વાદ પણ સરસ !

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

17-05-2021

કવિ જાતુષ જોષીની ગઝલની અદ્ભૂત રદીફ જિજ્ઞાસા ઉત્પન્ન કરી છે અને આગળ બ્રહ્મ તરફના અનુભવમાં દોરી જાય છે, વાહ!

Neha Bhavesh Solanki

17-05-2021

Very beautiful lyrics, composition and it’s presentation filled with deep love towards Guruji.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: