ભગીરથ બ્રહ્મભટ્ટ ~ ઘણાં બધાં તો * Bhagirath Brahmabhatt

ઘણાં બધાં તો વૃક્ષો વેચે, કોક જ વ્હેંચે છાયા;
લોક અમસ્તા ઉંમર આખી વીણે છે પડછાયા.

તલના ભેળા ભળ્યા કોદરા, દાણે દાણો ગોત,
સાચજૂઠના તાણે વાણે, બંધાયું છે પોત;

પાંખ વગરનાં પારેવાં સૌ ધરતી પર અટવાયાં,
લોક અમસ્તા ઉંમર આખી વીણે છે પડછાયા.

ક્ષુધા કણની મણની માયા, ઘણાં બધાંને વળગી,
ઘણાં ખરાંની દરિયા વચ્ચે, કાયા ભડભડ સળગી;

જબરા જબરા ઊણા અધૂરા કોક જ વીર સવાયા,
લોક અમસ્તા ઉંમર આખી વીણે છે પડછાયા.

 ભગીરથ બ્રહ્મભટ્ટ

‘લોક અમસ્તા ઉંમર આખી વીણે છે પડછાયા’ અને ‘કોક જ વ્હેંચે છાયા’આ બે વાતની વચ્ચે જીવનનું ઊંડું ચિંતન રજૂ કરતું આ ગંભીર ગીત શરૂઆતમાં હળવેથી પર્યાવરણની સમસ્યાને પણ અછડતો સ્પર્શ કરી લે છે અને એમ વૃક્ષ સાથે સંકળાયેલી બે વાતોને જોડીને એક કાવ્યાત્મક શરૂઆત થઈ છે. 

એકબાજુ જંગલો વઢાય છે તો બીજી બાજુ છાંયડા વહેંચનારા લોકો પણ છે જ. ચારે બાજુ વેરાયેલી કાળાશ વચ્ચેય આવા લોકો હાશ પહોંચાડે છે.. ગીતની ધ્રુવપંક્તિ ‘લોક અમસ્તા ઉંમર આખી વીણે છે પડછાયા’ બહુ અર્થગંભીર અને સૂચક છે. માનવીની સુખની તલાશ એને અંતે અજંપા સિવાય કશું જ નથી આપતી કેમ કે પડછાયા ક્યારેય હાથમાં આવે ખરા ? સુખને બહાર શોધવું એ પડછાયો પકડવા જેવુ છે. ખરેખર તો જે પડછાયો છે એના મૂળ આપણી અંદર જ છે ! એટલે આ શબ્દો દ્વારા બહુ સરસ અને કાવ્યાત્મક રીતે કહેવાયું છે કે સુખ જોઈએ તો અંદર ઝાંકો ! એ બહાર ક્યાંય નથી. કવિની વાત સાથે સમ્મત થવું જ પડે કે ઊણા અને અધૂરા લોકોની સંખ્યા વધારે છે. સમજણથી એ ક્યાંય દૂર છે એટલે જબરાઈ કરવી, જડતાનું પ્રદર્શન કરવું એ એમનો સ્વભાવ હોય પણ છાંયાની ભેટ લઈને ફરનારા જ આ પૃથ્વીને જીવવા જેવી બનાવે છે !

14.6.21

***

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

14-06-2021

વાહ, કવિ શ્રી ભગીરથભાઈ, ખૂબ સરસ લયબધ ગીત. લતાજી નો આસ્વાદ સરસ અર્થોને ઈંગિત કરે છે.

ingit Modi

14-06-2021

Wah bahu Saras – Maja Padi – thanks

કિશોર બારોટ

14-06-2021

અતિ સુંદર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: