ભાવેશ ભટ્ટ ~ મારો તો કાયમ

મારો તો કાયમ આ રીતે દા’ડો ભરાય છે

હું થાઉં છું ખાલી અને ખોબો ભરાય છે.

એને ફિકર પાણીની ક્યાં સ્હેજે રહી હવે !

ચીસોથી એના ગામનો કૂવો ભરાય છે.

અંગત અદાવત આંસુ સાથે થાય છે પછી

જયારે ઉછીના સ્મિતથી ચહેરો ભરાય છે.

એ કોળિયો સમજી ગળી જાતી ભલે મને

તારી ગલીના પેટનો ખાડો ભરાય છે !

લાલાશ, બેચેની, તરસ, સૌ ઉમટી પડ્યા

મારી સૂઝેલી આંખનો ખોળો ભરાય છે !

આવાગમન કોનું છે સગપણનાં મકાનમાં ?

છે ઓરડો ખાલી અને ખૂણો ભરાય છે !

તાક્યા કરે છે રોજ, કોઈ ફોડતા નથી !

મારી તરફ ધિક્કારની તોપો ભરાય છે

– ભાવેશ ભટ્ટ

‘મારી સૂઝેલી આંખનો ખોળો ભરાય છે !’- ક્યા બાત હૈ ! એક સ્ત્રીને આવી શકે એવું કલ્પન અને નાવીન્યથી છલકાતું… બીજો શેર ‘ચીસોથી એના ગામનો કૂવો ભરાય છે.’ પણ એટલો જ લાજવાબ ! દરેક શેર જુદું જ ભાવવિશ્વ લઈને આવે છે અને બધા જ શેરમાં કલ્પનોની તાજગી અને રજૂઆત સ્પર્શી જાય છે.

21.6.21

***

Sarla Sutaria

22-06-2021

હું થાઉં છું ખાલી અને ખોબો ભરાય છે…. વાહ! ખૂબ સરસ ગઝલ

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

22-06-2021

સરસ કલ્પનોથી ભરપૂર ગઝલ.

દિલીપ ગજ્જર

21-06-2021

મજા આવી ગઈ કાવ્ય વિશ્વ મા વિહરવાની…

ભાવેશ ભટ્ટ

21-06-2021

આજે તમે ‘કાવ્ય વિશ્વ’માં મારી રચનાને સ્થાન આપ્યું છે અને એને બિરદાવી છે એ બદલ આપનો ખુબ ખુબ આભાર..

Varij Luhar

21-06-2021

કવિશ્રી ભાવેશ ભટ્ટ ની સરસ ગઝલ માણવાનો આનંદ થયો

Ingit Chinu Modi

21-06-2021

વાહ….ગમતી ગઝલ….આભાર….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: