મનોહર ત્રિવેદી ~ તો પપ્પા * Manohar Trivedi

તો, પપ્પા, હવે ફોન મૂકું ?
તમને યે મૉજ જરી આવે તે થયું મને ! STDની ડાળથી ટહૂકું…..

હૉસ્ટેલને ? … હૉસ્ટેલ તો ફાવે છે…. જેમ કે કાંટામાં સચવાતું ફૂલ
તોય એ તો ઊઘડે છે… રંગભર્યું મહેકે છે…. ડાળખીમાં કરે ઝૂલાઝૂલ.
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું……..
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

મમ્મીબા જલસામાં ?…બાજુમાં ઊભી છે? ના ના… તો વાસણ છો માંજતી
કે’જો આ દીકરી યે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતી
સાચવજો… ભોળી છે… ચિન્તાળુ… ભૂલકણી… પાડજો ના વાંકું કે ચૂંકું…
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

શું લીધું ?… સ્કૂટરને ?… ભારે ઉતાવળા… શમ્મુ તો કેતો’તો ફ્રીજ
કેવા છો જિદ્દી ?… ને હપ્તા ને વ્યાજ ?… વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ
ઝાઝી તો વાતુંનાં ગાડાં ભરાય : કહું હાઈકુમાં … એટલે કે ટૂંકું…
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

મનોહર ત્રિવેદી

સ્ત્રીના હૈયામાં એક ખૂણો માનો ઈશ્વરે જ મૂક્યો છે. એને ઉંમર સાથે કોઈ સંબંધ નથી. નાનકડી દીકરી હોય તોય ઢીંગલાને એ ખોળામાં લઈને સુવાડશે. આ છોકરીના જીન્સમાં છે. પપ્પાની મમ્મીનો રોલ વખત આવ્યે એ બહુ સરસ રીતે ભજવી લે છે એટલે જ કહી શકે કે – સ્કૂટર લઈ લીધું ! ફ્રીઝ લઈ લીધું ! હવે હપ્તા ભરવા પડશે ને ! અને દરેક પપ્પા અનુભવતા હોય કે એની મજા જુદી જ છે !

આધુનિક પરિવેશમાં રચાયેલું આ ગીત બાપ-દીકરીના મમત્વની મોજ કરાવે છે. પપ્પાથી દૂર દીકરીઓના આંખના ખૂણાય ભીના કરાવે છે.

ગુજરાતી ધોરણ નવમાં આ કાવ્ય ભણતી દીકરીઓ દિલથી આ ગીત સાથે સંકળાતી હશે એમાં ના નહીં !

આ ગીત સાંભળો – અમર ભટ્ટનું સ્વરાંકન અને હિમાલી વ્યાસ નાયકનો સ્વર 

કાવ્ય : મનોહર ત્રિવેદી * સ્વરાંકન અમર ભટ્ટ * સ્વર હિમાલી વ્યાસ નાયક

***

શૈલેષ પંડયા નિશેષ

02-07-2021

વાહ….. દાદાનું ગમતું ગીત…. મોજ આવી ગઈ… આભાર.. લતાબેન

Sarla Sutaria

22-06-2021

મારા પપ્પાની યાદ આવી ગઈ. ખૂબ સુંદર રચના..

છબીલભાઈ ત્રિવેદી

20-06-2021

આજનુ મનોહર ત્રિવેદી નુ કાવ્ય સમયોચિત આજે ફાધર્સડે છે દિકરી અને બાપ એ કોઈ ડે ના મોહતાજ નથી એનાતો તો દિકરી નો બાપજ સમજી શકે, જનક વૈદેહી હોવા છતા સીતાજી ની વિદાય સહી શકતા નથી અને મહર્ષિ કણ્વ ૠષિ હોવા છતા પોતાની પાલક પુત્રી ની વિદાય સહન કરી શકતા નથી ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

રેખાબેન ભટ્ટ

20-06-2021

મનોહર ત્રિવેદીનું ગીત સાંભળીને નજર સામે ચિંતા કરતી દિકરી દેખાય છે. ખરી અગત્યની વાત તો ફોન મૂકતી વેળા યાદ આવે છે. ખૂબ સુંદર રચના. અને પાછું એનું સ્વરાંકન અમર ભટ્ટનું. આજનો રવિવાર સ્પેશ્યલ બની ગયો. હિમાલી વ્યાસ નાયકનો મીઠો અવાજ. વાહ,

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

20-06-2021

આ ગીત ખરેખર નોંધપાત્ર, નોંખું છે, સુંદર રીતે દિકરીનો અને પપ્પા સાથે નો સંવાદ એકોક્તિ રીતે, આપણે જાણે દિકરી ની વાત સાંભળતા હોય એવો આનંદમય અનુભવ થાય છે.

અરવિંદભાઈ દવે

20-06-2021

હવે ફોન મુકું ? કહીને દીકરી અને પપ્પાનો સાક્ષાત્કાર કરવી દીધો દાદા……….
હિમાલીબેન વ્યાસે આ દ્રશ્યને તાદૃશ કરી દીધું…….
આજે Father’s Day નાં દિવસે આવું ખૂબ જ હૃદયસ્પર્શી ગીત આપવા બદલ આભાર કાવ્ય-વિશ્વ…….

Varij Luhar

20-06-2021

વાહ મનોહર ભાઈ .. આપનું આ ગીત આજે ફાધર્સ ડે નિમિત્તે વધારે
ગમે તે સ્વાભાવિક છે..

Harshad Dave

20-06-2021

કવિશ્રી મનોહર ત્રિવેદીની જાણીતી ગીતરચના અને આસ્વાદ માટે અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: