કુણાલ શાહ ~ સમાતા નથી * Kunal Shah

સમાતા નથી નામ ઇતિહાસ પાને,
જરા મોટો કરશો હવે હાંસિયાને ?

ઉભો ખાલી ખીસ્સે ભરેલા બજારે,
ઉપડતા નથી પગ ઘરે પણ જવાને.

બધા પાત્ર મનમાં વસી જાય ત્યારે,
બરાબર એ અટકાવવાનો કથાને.

જણાવીને અંગત કહો કાનમાં એ,
હકીકત જે પહોંચાડવી હો બધાને.

ઉદાસીની પાસેના ગલ્લે ઉભા રહી,
ઘણી ભીડ જોઈ ખુશીની દુકાને.

– કુણાલ શાહ

પ્રથમ શેરમાં જ ગજબનો કટાક્ષ છે, કહેવાતા મહાન (!) લોકો માટે ! આ વાત કહેવા માટેનું કલ્પન નાવીન્યથી ભરેલું છે. ખાલી ખિસ્સું અને ભરેલું બજાર ! આ વિરોધાભાસ પછીની પંક્તિથી સ્પર્શી જાય છે. ત્રીજો શેરનું કલ્પન  પણ એટલું જ મૌલિક… જનસામાન્યનું સત્ય સરસ રીતે વણી લીધું છે ચોથા શેરમાં અને એવી જ કમાલ અંતિમ શેરમાં….. વાહ કવિ !

19.6.21

***

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

20-06-2021

ખૂબ જ કળામય અભિવ્યક્તિ.

છબીલભાઈ ત્રિવેદી

19-06-2021

આજનુ કાવ્યખુબજ હ્રદય સ્પર્શી આજે મધ્યમ વર્ગીય માણસ ની હાલત ખુબજ કફોડી થઇ ગઈ છે ખાલી ખિસ્સા ભરેલા બજાર ખુબજ હ્રદય દ્વાવક પંક્તિ ઓ છે આવો અનુભવ દરેક મિડલ ક્લાસ મણસો ને થતોજ હોય છે કવિ ને અભિનંદન

સુરેશ’ચંદ્ર’ રાવલ

19-06-2021

કુણાલભાઈ ઉભરતા ગઝલકાર છે .તેમની ગઝલ નાવિન્ય સભર હોય છે…. હાંસિયાને મોટો કરવો…ભરેલાં બજારે ,ખાલી ખીસ્સે તેમજ ઉદાસીના ગલ્લે , આવાં સરસ શેર લઈને આવ્યા છે…ખૂબ સરસ … લતાબેન આપને પણ ખૂબ અભિનંદન….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: