કુમાર જૈમિની શાસ્ત્રી ~ મૌન છે

ધરતીય મૌન છે અને આકાશ મૌન છે

દરિયો ભલે ને ઘૂઘવે, ખારાશ મૌન છે.

હોવાનો અર્થ અન્યને સમજાવતો રહ્યો

મારી હયાતીનો ખરો અહેસાસ મૌન છે.

ઊભાં છે એક પગ ઉપર વર્ષો સુધી અડગ

વૃક્ષોની સાધના તો સરેરાશ મૌન છે.

પૂનમ અને અમાસમાં સ્થાપે છે સામ્યતા

અંધાર મૌન છે અને અજવાસ મૌન છે.

વાતાવરણની સ્તબ્ધતા સંભળાય ચોતરફ

તેથી કદાચ શબ્દના આવાસ મૌન છે.

– કુમાર જૈમિની શાસ્ત્રી

શબ્દનો સતત સહવાસ મૌનની શેરી સુધી જરૂર લંબાય છે. શબ્દસાધકોને આનો અનુભવ હોય છે. સંબંધોમાં પણ છેક ઊંડાણ સુધી તાગનારા અનુભવ્યા કરે છે કે ક્યારેક શબ્દો કરતાં મૌન ક્યાંય અસરકારક હોય છે. ધરતી અને આકાશના સંબંધની ગહેરાઈ અર્થાત ક્ષિતિજમાં વિસ્તરેલા મૌનનો લય. શબ્દ વગરનું સુરીલું સંગીત એમાંથી જ પ્રગટે છે.

માનવબાળ કેટલું જલ્દી બોલતાં શીખી જાય છે અને માતાપિતા હરખાય છે કે સંતાન કેવું મીઠું બોલે છે ! એ જ સંતાન યુવાનીમાં પ્રવેશે છે કે સંસારી થાય છે ત્યારે ક્યારેક એ જ માતા-પિતા વિચારે છે કે ‘એને બોલવાની સમજ ક્યારે આવશે ? આ ‘બોલવાની સમજ’માં મૌનનો મોટો ફાળો છે. ક્યારે કેટલું બોલવું કે ચૂપ રહેવું એની સમજ આવતાં દસકાઓ વીતી જાય છે અને ઘણા લોકોમાં તો એ જીવનભર નથી આવતી.  

કાવ્યસંગ્રહો : 1. તમારા નામનો સિક્કો 2. રોજ તારી યાદમાં 3. કાવ્યસત્ર (કવિ પરિચયો)     

18.6.21

*****

કુમાર જૈમિનિ શાસ્ત્રી

21-06-2021

ખૂબ ખૂબ આભાર. અતિ પ્રશસ્ય પ્રવૃત્તિ. વાચક મિત્રોની ટિપ્પણી બદલ આભાર

છબીલભાઈ ત્રિવેદી

19-06-2021

આજનુ જૈમિન શાસ્ત્રી સાહેબ નુ મૌન નુ મહત્વસમજાવતુ કાવ્ય ખુબજ ગમ્યું મૌન ની ભાષા સમજવી ખુબજ અઘરી છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Varij Luhar

18-06-2021

કુમાર જૈમિની શાસ્ત્રી ની સરસ ગઝલ અને આસ્વાદ
ગમ્યા .. કાવ્ય વિશ્વ ના દરેક વિભાગો મોટાભાગે ખૂબ ઉત્તમ રહ્યા છે
આપની મહેનત સરાહનીય છે

ઇંગિત મોદી

18-06-2021

દરિયા ની ખારાશ મૌન છે..વાહ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: