નીતા રામૈયા ~ વરસાદ

પહેલે વરસાદે, કેમ કરી પામવા મોસમના અઢળક મિજાજ;

ઊભા રહો તો રાજ, આંખ ભરી જોઇ લઉં, વાદળ ને વીજના રુઆબ.

વહેલી સવારથી ઘેરાયું આભ અને આભમાં વરતાયું

આષાઢી કહેણનું વણછુટ્યું બાણ;

ઊભા રહો તો રાજ, માણી લઉં બે ઘડી

આકાશી રાજનાં લહાણ….

વહેતી હવાને ચડે મઘમઘતું ઘેન અને આભથી વછૂટે કેવાં

મેઘભીનાં વેણનાં રૂમઝૂમતાં વહેણ;

ઊભા રહો તો રાજ, પૂછી લઉં કાનમાં

વરસાદી કેફની બે વાત….

– નીતા રામૈયા

પહેલો છાંટો ને એમ પહેલા વરસાદને વધાવતો આ રહ્યો કવિ નીતા રામૈયાનો મિજાજ !!

વર્ષાને વધાવતું ને એના વિવિધ રંગો, અઢળક અદાઓને પોંખતું અને એની સાથે હૈયાની અંગત ગોઠડીનો કેફીલો વરતારો આપતું આ ગીત રંગભીનું બન્યું છે. વીજ, વાદળ ને વરસાદ માનવ માટે હંમેશા અઢળક આનંદ અને વિસ્મયના વિષય રહ્યાં છે. અષાઢી ધનુષનું બાણ છૂટે અને સવાર સવારમાં આભ ઘેરાય જાય ત્યારે બધું છોડીને એ સમાને માણવાનું મન થાય અને પ્રીતમના સંગાથની ઝંખના થાય એ સ્વાભાવિક છે. ધીમી ધારે વરસતા વરસાદમાં છત્રી ફગાવી નીકળી પડવાનું અથવા બહાર જઇ શકાય એમ ન હોય તો વરંડામાં ખુરશી ઢાળી ચા/કોફીની ચુસ્કીઓ લેવાનું મન જેને ન થાય એનો અવતાર એળે ગયો હોય એવું ન લાગે ! કાવ્યનું પ્રાગટ્ય રૂડું છે અને એમાં વપરાયેલા શબ્દો, ‘મિજાજ ‘ ‘રુઆબ’, ‘બાણ’, ‘લહાણ’, ‘કેફ’ એવી સરસ રીતે પ્રયોજાયેલાં છે કે એ ભાવમાં પરોવાતાં જરાય વાર ન લાગે.

ચાલો, આવા સમે કવિ રમેશ પારેખના શબ્દોનેય યાદ કરીએ….

હું તો પહેલા વરસાદથી ભીંજેલી હો રાજ, મારે જાવું ક્યાં જાવું રે બોલ ?

14.8.21

આભાર આપનો

16-07-2021

આભાર સિકંદરભાઈ, છબીલભાઈ, મેવાડાજી અને બહેન સરલા.

કાવ્યવિશ્વની મુલાકાત લેનાર સૌનો આભાર

સિકંદર મુલતાની

14-07-2021

વાહ.!. સરસ રચના..!!

છબીલભાઈ ત્રિવેદી

14-07-2021

આજનુ નીતા રામૈયા નુ કાવ્ય ખુબજ ગમ્યું, વરસાદ અને અષાઢ અેક બીજા ના પર્યાય છે અષાઢી મેહુલા ના ગીતો આદી કવિ તુલસી થી લઇને રમેશ પારેખ બધા એ ખુબજ લખેલા છે જુદા જુદા કાવ્યોની મજા કંઈક જુદી જ હોય છે આપે કાવ્ય વિશે આપેલ મંતવ્ય પણ અદભુત ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

14-07-2021

નીતાજીની વરસાદી કવિતા ગમી એમ આપના આસ્વાદ માં વરસાદી માહોલ નો ઉઘાડ પણ ગમ્યો.

Sarla Sutaria

14-07-2021

વર્ષાનું અભિનવ સૌંદર્ય નિરૂપતું સુંદર ગીત .. ગમી ગયું ગીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: