ઝવેરચંદ મેઘાણી ~ કસુંબીનો રંગ

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ

ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ

બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ

ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ

દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ

સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ

વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ

મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ

પીડિતની આંસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ

શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ

બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા રંગીલાં હો પીજો કસુંબીનો રંગ

દોરંગા દેખીને ડરિયાં ટેકીલાં હો લેજો કસુંબીનો રંગ

રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, લાગ્યો કસુંબીનો રંગ…

~ ઝવેરચંદ મેઘાણી (28.8.1897 – 9.3.1947)  

ગાંધીજીએ જેમને ‘રાષ્ટ્રીય શાયર’ કહી બિરદાવેલા એવા ઝવેરચંદ મેઘાણીનું આજે 125મું જન્મવર્ષ. મેઘાણી ગુજરાતનું અને ભારતનું ગૌરવ છે. એમની વાણીમાં અદભૂત જોશ, ઉત્સાહ અને દેશપ્રેમનો ધોધ છલકે છે. મરી ફિટવાનું મન થાય એવા દેશપ્રેમના ગીતો એમણે ગાયાં છે. કવિતા ઉપરાંત વાર્તા, નવલકથા, લોકસાહિત્ય સંશોધન, સંપાદન, વિવેચન અને અનુવાદ- 87 જેટલા ગ્રંથોમાં મેઘાણીની રસધાર અવિરત વહી છે અને ગુર્જરવાસીઓને ધન્ય કરી ગઈ છે. જે કામ કરવા ચાર જન્મો પણ ઓછાં પડે એટલા બૃહદ અને ઉમદા કાર્યો એમણે માત્ર 50 વર્ષના આયખામાં અને 25 વર્ષની સાહિત્ય આવરદામાં કરી બતાવ્યા અને યુગપ્રવર્તક સર્જક બન્યા. એમની સ્મૃતિને વંદન.

28.8.21

કાવ્ય : ઝવેરચંદ મેઘાણી સ્વર : પ્રફુલ્લ દવે

*****

સુરેશ’ચંદ્ર’રાવલ

30-08-2021

વાહ ઝવેરચંદ મેઘાણીજી….એક એક રચનાઓ દેશભક્તિથી તરબોળ…અને ધરતીની ભીની ભીનું ખૂશ્બૂથી સુગંધીત…!
આભાર લતાબેન…”કાવ્ય વિશ્વ” અદ્ભુત બની રહ્યું છે… અભિનંદન…!

Varij Luhar

28-08-2021

રાષ્ટ્રીય શાયર મેઘાણી ને કોટિ કોટિ વંદન ?

છબીલભાઈ ત્રિવેદી

28-08-2021

આજે મેઘાણી સાહેબ ની જન્મજયંતી રાષ્ટ્રીય શાયર ને કોટી કોટી વંદન એક વખત ઉપેન્દ્રત્રિવેદીએ અસ્મિતા પર્વ મહુવા ખાતે તેમના વક્તવ્યમાં મેઘાણીભાઈને ધુળધોયા મેઘાણી તેવુ વિશેષણ આપ્યું હતું કેટલુ સાર્થક છે આ વિશેષણ પ્રણામ આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: