સુરેશ દલાલ ~ રમવાને ચાલ * Suresh Dalal

આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ : સુરેશ દલાલ  

આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસુડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

આવતા ને જાતા આ વરણાગી વાયરાએ મચાવ્યાં છે ઝાઝા તોફાન;
ભૂલીને ભાન ભંવર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન.
આંબલિયે બજવે છે કોકિલ બાંસુરિયા અંતરને ઊંડે ઉછાળ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

લૂમઝૂમતી મંજરીની હરિયાળી મ્હેક મારી મબલખ જગાવે છે ઝંખના;
નજરુંને હેરીને જોયું જરીક, કેવાં ઊડે પતંગિયા અજંપના !!
થઇને ગુલાલ આજ રંગે ઘરાની ધૂળ વાયરાના રેશમી રૂમાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !  – સુરેશ દલાલ

કવિ સુરેશ દલાલનો આજે જન્મદિન. કવિતાનો કેફ ચડી જાય એવા અનેક ગીતો આપનાર આ કવિ… કવિતાને સમર્પિત કવિ…. એમનું આ ગીત ફાગણના કેફનું છે અને હાલમાં નવરાત્રિ ચાલી રહી છે, કોરોનાના કારણે લાંબા અવસાદ પછી ફરી ઉત્સવનો રંગ જામ્યો છે,  ખેલૈયાઓ મસ્તીમાં ઝૂમી રહ્યા છે ત્યારે મનના ખૂણામાં એક ડર જે સચવાઈને બેઠો છે, એ ડોકિયું કરી રહ્યો છે… આ ઉત્સવો હેમખેમ પાર ઉતરે અને લોકો સ્વસ્થ રહે…. મા આદ્યશક્તિને પ્રાર્થના…  

11.10.21

***

છબીલભાઈ ત્રિવેદી

11-10-2021

સુરેશદલાલ સાહેબ ના જન્મદિવસ પર તેમનુ કાવ્ય ખુબજ સમયોચિત ફાગણ વિષે, વસંત વિષે તો ઘણુ લખાયુ છે જય માતાજી

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

11-10-2021

કવિ સુ.દ.તો ગીત કવિ જ. સરસ કવિતા, અને આસ્વાદીક નોંધ.

Varij Luhar

11-10-2021

કવિશ્રી સુરેશ દલાલ ની જન્મ જયંતિએ તેઓની શબ્દ ચેતનાને વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: