વારિજ લુહાર ~ સૂરજ મળ્યો Varij Luhar
તડકાની સામે તગતગેલા બાગમાં સૂરજ મળ્યો
ફૂલોએ છેડ્યો રાગ તો એ રાગમાં સૂરજ મળ્યો.
સામે રહીને છેક ભીતર રોજ જે લંબાય છે
એનાંય પાડ્યા ભાગ તો એ ભાગમાં સૂરજ મળ્યો.
ક્યારેક વીંધ્યો વાંસ તો એ વાંસળી બનતો ગયો
ક્યારેક લાગી આગ તો એ આગમાં સૂરજ મળ્યો.
આજેય મારી પીઠ પર દાઝી ગયેલા દાગ છે
શોધ્યું પગેરું દાગનું તો દાગમાં સૂરજ મળ્યો.
સૂરજ વિનાની ધારણા મનમાં હજી જાગી જરા
એનો મળ્યો જો તાગ તો એ તાગમાં સૂરજ મળ્યો.
~ વારિજ લુહાર
સૂરજ મળ્યો એ રદ્દીફ આખી ગઝલનો સૂર બની જાય છે, મનમાં ઊગી જાય છે….. તમામ બાબતોને એક આશાવાદી સૂરમાં લેવાની, સમજવાની વાત છે ; ભલે એ પીઠ પરના દાગ હોય તો પણ !
30.12.21
***
છબીલભાઈ ત્રિવેદી
31-12-2021
આજની વારીજ સાહેબ ની રચના ખુબ માણવા લાયક રહી સુરજ મળ્યો,, આવી વિવિધ રચના ઓથી કાવ્યવિશ્ર્વ સમ્રુધ્ધ બન્યું છે કવિ શ્રી ને અભિનંદન
સાજ મેવાડા
30-12-2021
ખૂબ સરસ સૂરજ નું કલ્પન રદિફ્માં નિભાવ્યું છે.
Varij Luhar
30-12-2021
આનંદ સહ આભાર
અર્જુનસિંહ.કે.રાઉલજી.
30-12-2021
વાહ વાહ સુંદર કાવ્ય .સૂરજ મળ્યો ..દરેક જગ્યાએ સૂરજ મળ્યો . બી પોઝીટીવ એ માન્યતાને સાર્થક કરતી ગઝલ .અભિનંદન વારીજ લુહાર સાહેબ ..અને લતામેડમને પણ આવી સુંદર ગઝલ રજૂ કરવા બદલ અભિનંદન .કાવ્યવિશ્વ દિવસે દિવસે જામતું જાય છે
પ્રતિભાવો