જયશ્રી મહેતા ~ વાંસળીની આંગળી * Jayshri Maheta
વાંસળીની આંગળી પકડીને એક દિ’
ગઈ ‘તી હું જમુનાને તીર
જમુનાના નીરમાં ડૂબકી મારી ને
મને પરશી ગઈ તેજની લકીર….
મોરપીંચ્છ વાયરામાં હળું હળું ફરકે
ને કાંઠે કદંબના ઝાડ
આકાશે વાદળાં એવાં ઝળુંબ્યા
જાણે ઊંચક્યો મેં ગોવર્ધન પહાડ
આંગળીની ટીશિયુંને ફૂટી કો’ ચેતના
જે થઈ ગઈ તી ક્યારની બધિર…..
આંખો મીંચું ને માંહ્ય ઝળહળતી જ્યોત
અને કહાનાની આરતીનાં ગાન
મધુવનની ધૂળમાં કેવી રંગાઈ હું તો
કણકણમાં કહાનાનું ધ્યાન
આખુંય આયખું એવું જાગ્યું છે
જાગી રોમ રોમ રટણા અધીર…..
~ જયશ્રી મહેતા
કૃષ્ણપ્રેમના પુષ્કળ કાવ્યો રચાયાં છે. આ ગીતમાં ‘મને પરશી ગઈ તેજની લકીર’ આ પંક્તિ બહુ ગમી ગઈ અને ગમ્યું રાસબિહારી ભાઇનું સ્વરાંકન તથા હેમાલી વ્યાસનો મધુર કંઠ. એનો વિડીયો ઉપલબ્ધ નથી પણ તમને ઓડિયો ક્યાંક મળી જાય તો જરૂર સાંભળજો.
29.12.21
***
છબીલભાઈ ત્રિવેદી 29-12-2021
આજનુ જયશ્રી મહેતા બહેન નુ ક્રુષ્ણ ભકિત નુ કાવ્ય ખુબજ ગમ્યું આદી કવિ શ્રી નરસિંહ થી લઇને અત્યાર ના અર્વાચીન કવિ સુધી ના તમામ કવિ ઓ નુ મનગમતુ પાત્ર ક્રુષ્ણછે અને યમુનાજી છે બધા એ પોત પોતાની રીતે લાડ લડાવ્યા છે ખુબ સરસ રચના
સાજ મેવાડા 29-12-2021
અઢળક લખાયેલા ક્રૂષ્ણકાવ્યોમાં નોંખું છે, ગમ્યું.
ખુબ સુંદર કૃષ્ણ પ્રેમ નું કાવ્ય
સરસ ભાવાભિવ્યક્ત કૃષ્ણ ગીત.
મોરપીંચ્છ વાયરામાં હળું હળું ફરકે
ને કાંઠે કદંબના ઝાડ
આકાશે વાદળાં એવાં ઝળુંબ્યા
જાણે ઊંચક્યો મેં ગોવર્ધન પહાડ. saras rachanaa.
sarayU parIkh