મકરંદ દવે ~ સૌંદર્યનું ગાણું Makarand Dave

સૌંદર્યનું ગાણું મુખે મારે હજો ~ મકરંદ દવે

સૌંદર્યનું ગાણું મુખે મારે હજો,
જ્યારે પડે ઘા આકરા
જ્યારે વિરૂપ બને સહુ
ને વેદનાની ઝાળમાં
સળગી ઉઠે વન સામટાં,
ત્યારે અગોચર કોઈ ખૂણે,
નીલવર્ણા, ડોલતાં, હસતાં, કૂણાં
તરણાં તણું ગાણું મુખે મારે હજો,
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો.

સ્વપ્નથી ભરપુર આ
મારા મિનારાઓ પરે
જ્યારે પ્રહારો વજ્રના આવી પડે,
નોબતો સંહારની આવી ગડે,
ને ધૂળભેગા કાટમાળો પીંખતી,
ઉપહાસની ડમરી કદી ઉંચી ચડે,
ત્યારે અરે!
પ્રેમે, પ્રફુલ્લિત કો સ્વરે,
આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.

એક દિ’ જેને, પ્રભુ!
અંકે પ્રથમ અણબોધ ખોલી લોચનો
પામી ગયો જ્યાં હૂંફ હું પહેલી ક્ષણે
ને પ્રેમનાં ધાવણ મહીં
પોષાઈ જીવ્યો છું અહીં
હેતાળ એ ભૂમિ તણે
હૈયે જીવનમાં શીખવજો સર્વસ્વ મારું સીંચતાં
ને કોઈ વેળા આખરે આ લોચનોને મીંચતા
એના પ્રકાશિત પ્રાણનું
એના હુલાસિત ગાનનું
એના હુલાસિત દાનનું ગાણું મુખે મારે હજો!

આવતાં જેવું હતું
જાતાંય એવું રાખજો,
ઉત્સવ તણું ટાણું સુખે ત્યારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.

~ મકરંદ દવે

સાંઇ મકરંદ દવેની જન્મશતાબ્દી ઉજવાઇ. આજે એમની પૂણ્યતીથિએ સ્મૃતિવંદના.

શ્રી અમર ભટ્ટ દ્વારા ‘ગાન ગાતો રહું, આત્મઉત્કર્ષની ધારે સદા વેદનાને વહુ’,  પ્રથમ આ કાવ્યનું પઠન છે ને પછી ઉપરનું કાવ્ય ‘સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો’નું ગાયન.

સૌજન્ય * કાવ્યસંગીત : મનનો રવિવાર ને એકાન્તનો શણગાર  અગસ્ત્ય ફાઉન્ડેશન

31.1.22

કાવ્ય : મકરંદ દવે સ્વરાંકન અને સ્વર : અમર ભટ્ટ

***

છબીલભાઈ ત્રિવેદી

31-01-2022

આજની સાંઈ મકરંદ ની રચના ખુબ ગમી અેમના કાવ્યો તો અદભૂત હોય છે જન્મ શતાબ્દી અે પ્રણામ

સાજ મેવાડા

31-01-2022

આ પ્રાર્થનામય કાવ્ય ખૂબ ગમ્યું. શ્રધાંજલિ.
અમર ભટ્ટ સાહૈબે સરસ પઠન અને સ્વરાંકન, ગાયન. માણ્યું.

Chaitali Thacker

31-01-2022

વંદન સાંઈને….. 🙏🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: