જવાહર બક્ષી ~ દશે દિશાઓ 

જવાહર બક્ષી ~ દશે દિશાઓ 

દશે દિશાઓ સ્વયમ્ આસપાસ ચાલે છે,
શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે.

કશેય પહોંચવાનો કયાં પ્રયાસ ચાલે છે?
અહીં ગતિ જ છે, વૈભવ વિલાસ ચાલે છે.

કોઈનું આવવું, નહીં આવવું, જવું, ન જવું.
અમસ્તો આંખમાં ઉઘાડ- વાસ ચાલે છે.

દશે દિશામાં સતત એકસામટી જ સફર!
અને હું એ ય ન જાણું… કે શ્વાસ ચાલે છે.

અટકવું એ ય ગતિનું જ કોઈ રૂપ હશે!
હું સા…વ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.

જવાહર બક્ષી

અંદરના પ્રવાસની, સ્વચેતનાના ઉઘાડની આ ગઝલ. પ્રવાસ છે અને છતાંય ક્યાંય પહોંચવાનું નથી, ગતિ છે તો સ્થિરતાની અનુભૂતિ પણ છે ! આ વિરોધાભાસ નથી, પૂર્ણતાનું પ્રાગટ્ય છે. આંખનો ઉઘાડવાસ એ અનંતના માર્ગનો પ્રવાસ છે. ગતિ અને સ્થિરતાનું એકત્વ અનુભવતી ક્ષણ એ કદાચ આ ગઝલનું પ્રાગટ્ય છે.

વિપશ્યનાની સાધના આપણી અંદર રહેલા અબજો કોષોની હલચલ, એની ક્ષણભંગુરતાના અનુભવની સાધના છે. પળેપળ જન્મ અને પળેપળ મૃત્યુનો અહેસાસ એ વિપશ્યનાનો પ્રવાસ. આ ગઝલમાં એ અનુભૂતિ શબ્દોમાં અવતરી છે. બ્રહ્માણ્ડની એક ગતિ છે અને અંદર આત્માની પણ એક ગતિ છે. આ બંને એક જ છે એવું અનુભવાય ત્યારે બન્નેની સમાન સ્થિરતા સમજાય. દશે દિશાઓ, આખું બ્રહ્માણ્ડ આપણી અંદર જ સમાયેલું છે, ‘સ્વ’ એ એનો વિસ્તાર છે અથવા આથી ઊલટું પણ. અંતે વાત એક જ છે. જેમ નરસિંહ મહેતાએ કહ્યું છે, ‘અંતે તો હેમનું હેમ હોયે..’

metaphysical ભૂમિકાએ રચાયેલી આ ગઝલની ભૂમિકા અને રજૂઆત એટલી સબળ છે કે એ લાયક ભાવકને ક્ષણવાર પોતાની અંદર રોમેરોમે રાસનો અનુભવ કરાવી શકે. કવિને વંદન.

OP 19.2.22

કાવ્ય : જવાહર બક્ષી સ્વરાંકન : આલાપ દેસાઈ સ્વર  : જય દવે

***

કિશોર પંડયા

23-02-2022

પ્રવાસ શરુ નથી પણ ચાલયા કરે.
બહુ રજુઆત છે.

સાજ મેવાડા

19-02-2022

આદરણીય જવાહરભાઈની આ ગઝલ વિષે કહેવામાં મારું જ્ઞાન, સમજ ઓછી પડે છે. લતાજી આપનું આસ્વાદક વિવરણ ખૂબ સરસ છે.

Dipti Vachhrajani

19-02-2022

અદભુત રચના. જવાહરભાઈને વંદન.

Varij Luhar

19-02-2022

વાહ વાહ.. ખૂબ સરસ ગઝલ માણવા મળી..
અટકવું એ ય ગતિનું જ કોઈ રૂપ હશે!
હું સા…વ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.
કવિશ્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: