રમેશ પારેખ ~ જોયું ને ઊઠ્યો  Ramesh Parekh

જોયું ને ઊઠ્યો ~ રમેશ પારેખ

જોયું ને ઊઠ્યો ને ચોંક્યો ને કૂદ્યો ને નાઠો રે નાઠો
મારામાંથી એક મારો જ ભયભીત ફાંટો રે ફાંટો

આતંક આતંક ઘરમાં ગલીમાં ને આખા નગરમાં
વળી આંખની સાથે આંખોમાં આંખોની ગાંઠો રે ગાંઠો

તરસમાં બધા હાથ રઘવાતા રઘવાતા રઘવાઈ બેઠા
હથેળીમાં વીરડાઓ ગાળ્યાં; નથી જળનો છાંટો રે છાંટો

અને ઘાવ પ્રસર્યા વિચારોમાં એવી તો કરપીણ ઝડપે
ન શ્રદ્ધા, ન પીડા, ન મૃત્યુ, ન ઔષધ, ન પાટો રે પાટો

હજુ ઘેનમાં લંગડા લંગડા લંગડા શ્વાસ લવક્યા કરે છે
આ ચહેરાના જંગલમાં વાગ્યો’તો સોનેરી કાંટો રે કાંટો

થયો છે કચરઘાણ કેવો અકસ્માત હરએક જણમાં
છે સૌ પાસે પોતાનું ગંધાતું શબ : કોઈ દાટો રે દાટો

રમેશ પારેખ

આમ તો આખા કાવ્યમાં… પણ આ કમાલ ! – ‘વળી આંખની સાથે આંખોમાં આંખોની ગાંઠો રે ગાંઠો’ કેટકેટલા ધ્વનિ છે આ પંક્તિમાં ??

OP 17.5.22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: