રમેશ પારેખ ~ ઓણુકા વરસાદમાં Ramesh Parekh

ઓણુકા વરસાદમાં ~ રમેશ પારેખ

ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ,
એક અમે પોતે ને બીજો તારો વટ !

નેવા નીચે ઓસરી, આંખો નીચે ગાલ,
નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ.

વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ,
આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ.

નખ ઉગ્યા અંધારને, ભીંતે ઉગી દાઢ
ઉપર મારે આંચકા અણિયાળો આષાઢ.

તારા વટને કચ્છની સૂડી સરખી ધાર,
અમે કમળની દાંડલી-કરીએ શું તકરાર ?

મીરાં કહે કે સાંવરા, વાગે વીજળી બહુ,
બીજું શું શું થાય તે આવ, કાનમાં કહું.

રમેશ પારેખ

જળનું ટીપું ધાડ પાડે, અંધારને નખ ઊગે કે ભીંતને દાઢ ઉગવા જેવી કલ્પના આ કવિને જ આવે ! માત્ર ર.પા. જ લખી શકે એવું ગીત !

OP 17.5.22

***

વિવેક મનહર ટેલર

17-05-2022

સદાબહાર ક્લાસિક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: