પહેલાં છાંટે ~ મધુસૂદન પટેલ

પહેલાં છાંટે ભુલાઇ જાતાં ચડ્ડી-બંડી,

પડતાં ભેરુ સાદ, યાદ સરવરિયું આવે એ રજવાડું; અહાહાહા!

અમે પાદરે ગામ ગજવીએ અને સીમમાં

બાપુજીને યાદ તૂટેલું નળિયું આવે, એ રજવાડું; આહાહાહા!

રમતાં-રમતાં સાંજ પડે ને ઝાલર વાગે

ઝાંખ વળે ને તોય મજાનો અંત ન આવે એવે ટાણે સામે ચાલી,

મને શોધવા છેક પાદરે માની પાછળ

આખી શેરી, ઘર, તોરણ ને ફળિયું આવે એ રજવાડું; આહાહાહા!

અરે! આંબલી-પીપળી રમતાં પોતીકા આ હાથ ધ્રૂજતા,

જાણીતી એક ડાળ છૂટતાં સામે ફળિયે માળા કરતી-

કંકુ ડોશી પહેલાં બોલે ગાળ પછી

બે કૂવા જેવી આંખે બબ્બે નદિયું આવે એ રજવાડું; આહાહાહા!

અજવાળાને કહી ‘આવજે’, દૂધે વાળું કરીને રાતે

ખુલ્લા ફળિયે તારાની છાબડિયું ભરીએ અને છેવટે

દાદીમાએ તેડાવેલી પરી પાંપણે જરા ઝૂલતાં

અંધારાનું તળિયું આવે એ રજવાડું; આહાહાહા!

દાતરડું બદલીને પાછો કામે વળવા ડગ માંડું ત્યાં

શરીર ઝંખે ખાવા થોડો થાક અને બસ એવે ટાણે

સૂરજ પહેલાં ઝાકળ જોયું હોય એ શેઢે એક

રોટલા ભેગી બે ડુંગળિયું આવે એ રજવાડું; આહાહાહા!

મધુસૂદન પટેલ 

બાળપણની યાદના કોઈ મૂલ ન થાય ! આહાહાહા….

વરસાદમાં નહાવા દોડી જવું એ વાત આજેય રોમાંચક લાગે. – આજના શહેરી બાળકના નસીબમાં કદાચ એટલું નથી લખ્યું, મમ્મીને ‘ગંદુ’ થઈ જવાની બીક છે !

સાંજ પડે ને તોય રમવાનું પૂરું ન થાય અને ઘરેથી બધાં શોધવા નીકળે ! – હવે શેરી કે પાદર તો શું, સ્કૂલમાંય બાળકોને ક્લાસમાં જ લંચબોક્સ ખોલીને રિસેસ પૂરી કરવી પડે છે !

અને તારાની છાબડિયું જોવાનું હવે આપણાં નસીબમાંય ક્યાં રહ્યું ? પ્રદૂષણે આભ ઢાંકી દીધું છે. ! ક્યારેક શહેરથી દૂર એકાંત સ્થળે કે જંગલમાં તારાઓ જોવા મળે તો ન્યાલ થઈ જવાય છે !

બસ કવિતા ફરી એ પ્રદેશમાં લઈ જાય છે જ્યાં હવે કલ્પના જ જઇ શકે છે.  

OP 21.5.22

***

રન્નાદે શાહ

05-06-2022

વાહ મધુભાઇ..સરસ ગીત…અભિનંદન

મધુસૂદન પટેલ

02-06-2022

ખૂબ ખૂબ આભાર લતાબહેન, મિત્રો અને વડીલો. હરિ ૐ🙏🙏🙏

કિશોર બારોટ

23-05-2022

મધુભાઈનું મધમીઠુ ગીત મોં મીઠાશથી ભરી ગયું

રેખાબેન ભટ્ટ

23-05-2022

બાળમસ્તીનું સુંદર ગીત…..

અંકિત

22-05-2022

વાહ

વિવેક મનહર ટેલર

21-05-2022

સરસ રચના

સાજ મેવાડા

21-05-2022

આવી બાળપણાની યાદ કોઈને કદીના વીસરે રે.

ingit modi

21-05-2022

Rajwadu ma to Maja Maja padi gai – wah madhubhai wah

છબીલભાઈ ત્રિવેદી

21-05-2022

મધુસુદન પટેલ નુ કાવ્ય વાંચી ગામડાનુ બચપણ યાદ આવી ગયું ખુબ સરસ રચના આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: