ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ ~ દાદાનો ડંગોરો
દાદાનો ડંગોરો લીધો,
એનો તો મેં ઘોડો કીધો.
ઘોડો કૂદે ઘમઘમ,
ઘૂઘરી વાગે રમઝમ
ધરતી ધુજે ધમ ધમ,
ધમધમ ધરતી થાતી જાય,
ઘોડો મારો કૂદતો જાય
કૂદતાં કૂદતાં આવે કોટ
કોટ કૂદીને મૂકે દોટ.
સહુના મનને મોહી રહ્યો
એક ઝવેરી જોઇ રહ્યો
ઝવેરીએ તો હીરો દીધો
હીરો મેં રાજાને દીધો
રાજાએ ઉતાર્યો તાજ
આપ્યું મને આખું રાજ
રાજ મેં રૈયતને દીધું
મોજ કરી ખાધું પીધું.
~ ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ
આ જોડકણું છે પણ બાળકોને મજા પડી જાય એવું. એક પછી એક પાત્રો ઉમેરાતા જાય અને વાર્તા આગળ વધતી જાય એની મજા છે. એમાં સ્મરણશક્તિને પણ ટકોરા દેવાય છે. બાળકોને ગવડાવવાની પણ એટલી જ મજા પડે.
*****
Jayshree Patel
31-05-2022
વાહ બધી જ કવિતાઓ સુંદર છે.. દાદાજીનો ડંગોરો👌🌹🙏
વિવેક મનહર ટેલર
25-05-2022
મજાનું બાળગીત…
સિલાસ પટેલિયા
23-05-2022
ત્રિભુવનદાસના બાળ કાવ્યો ફરી ફરી વાંચવા માણવાની મજા પડી. ખૂબ સુંદર રીતે બાળલીલા અને બાળ હૈયાની લાગણી આ બાળ કાવ્યોમાં અનુભવવા મળે છે. વળી, દરેક કાવ્યના છેડે આપે લખેલી મિતાક્ષરી નોંધ પણ સાર્થક અને લાઘવમાં ઘણું રજૂ કરે છે.
આપને અભિનંદન.
પ્રતિભાવો