માલા કાપડિયા ~ રોજ સવારે

રોજ સવારે

મારી બારીમાંથી આવી જાય છે

એક આકાશનો ટુકડો

સોનેરી તડકો લઇ

તો વળી ક્યારેક

એના આસમાની તરંગોમાં

તરતાં વાદળોમાં

હું ખોવાઇ જાઉં છું બની મત્સ્યકન્યા !

આ રમત થોડા દિવસ ચાલતી રહી.

પછી મને થયું,

મારી બારી થોડી મોટી હોય તો ?

અને હું ખેસવતી ગઇ રોજ

એક એક ઇંટ

વિસ્તરતી ગઇ મારી બારી

પ્રસ્તરતું ગયું મારું આકાશ

અને

મને ખબર જ ન રહી

કે ક્યારે

આકાશ સમાઇ ગયું બારીમાંથી

મારા ઘરમાં

અને હું ફેલાઇ ગઇ

અવકાશમાં !!

માલા કાપડિયા

નાનકડા બુંદમાંથી બાદલ બનવાની તડપ, અસ્તિત્વને અવકાશી ઉડાન આપવાની ઉત્કંઠા અહીં પાણીના રેલાની જેમ સરળતાથી વ્યક્ત થઈ છે. બારીમાંથી આકાશનો ટુકડો એના સોનેરી તડકા સાથે ઓરડામાં પથરાય છે. આ આકાશી ક્રિયા જેટલી સ્વાભાવિક છે એટલી જ સ્વાભાવિક એની વધામણી છે.

બારી વિસ્તરતી જાય છે, મનના સાંકડા ખૂણાઓ ખૂલતાં જાય છે, એમાં વિશાળતા પ્રવેશતી જાય છે. બારીનો વિસ્તાર આખા આકાશને હળવે હળવે અંદર અંદર પ્રસરાવી દે છે, ઓરડાની દિવાલો જડતા ગુમાવી હૂંફાળા અજવાસથી ઉભરાઇ જાય છે, સ્વમાં ક્યારે સર્વનો પ્રવેશ થઈ ગયો, ખબર જ નથી રહેતી !

OP 7.6.22

આભાર

11-06-2022

આભાર છબીલભાઈ, સરલાબેન

‘કાવ્યવિશ્વ’ના સૌ મિત્રોનો આભાર

Sarla Sutaria

08-06-2022

ખુલ્લું આકાશ પામવાની એક સ્ત્રીની આરઝુ અહીં સુપેરે વ્યક્ત થઈ છે. વાહ, મજા આવી ગઈ.

છબીલભાઈ ત્રિવેદી

07-06-2022

માલા કાપડીયા ની રચના ખુબ સરસ કાવ્ય અેકદમ પ્રવાહીતા થી વિસ્તરે છે ખુબ સરસ આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: