છાયા ત્રિવેદી ~ ફરું છું

તળિયા લાગણીના ~ છાયા ત્રિવેદી

તળિયા લાગણીના બળતા લઈ ફરું છું,

રણમાં થોરની એકલતા લઈ ફરું છું.

પરીક્ષા ફૂંકની છે, અજમાવી જો તું,

હું તો વાંસની પોકળતા લઈ ફરું છું.

સૂરજની હવે જો, પરવા છેય કોને ?

થોડાં આગિયા ઝળહળતાં લઈ ફરું છું.

કંઈ નહીં હાથ આવે, રહેવા દે તું શોધવું,

ખિસ્સામાં નરી શૂન્યતા લઈ ફરું છું.

શબ્દોની દીવાદાંડી કાયમ રહેશે..

દરિયા શ્વાસના ઓગળતા લઈ ફરું છું.

~ છાયા ત્રિવેદી

અહીં યાદ આવે છે શ્રી ભગતસાહેબની પંક્તિઓ, ‘હું ક્યાં કશું કરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું !’ આ શબ્દોમાં, આ ફરવામાં નિજાનંદ છે, પળે પળે પ્રસવતી મસ્તી છે, ઓલિયા જેવી હસ્તી છે. બહુ ઓછાને આવી પળો નસીબ હોય છે.

કાવ્યમાં નાયિકાની પીડા રજૂ થાય છે, ‘ફરવું’ પ્રતીક છે. ‘ફરવું’ શબ્દ કે ક્રિયા બહુ સંતુલિત છે. એને સુખ સાથે જોડી શકાય ને દુખ સાથે પણ. ‘ફરવા’થી જીવનને ભિન્ન ન કરી શકો. અહીં વાત વેદનાની છે. બે પગ લઈને સ્થૂળ રીતે ફરવાનું હોય કે મનનું સતત ચાલતું ભ્રમણ હોય ! મન કદી શાંત, સ્થિર રહી શકતું નથી. એ ફર્યા કરે છે, વિચાર્યા કરે છે પણ એમાં આનંદ નથી, અવસાદ છે. એ ફરે છે પણ ખાલીપણાના ભાર લઈને, લાગણીના સળગતા પ્રહાર લઈને, એકલતાની  ધાર લઈને… આ નાયિકાની વાત છે અને સૌની વાત છે. કોણ આનાથી મુક્ત રહી શક્યું છે ? આ પીડા દરેકે ક્યારેક ને ક્યારેક અનુભવી જ હોય!

OP 28.6.22

***

આભાર

02-07-2022

આભાર છબીલભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો પણ આભાર

છબીલભાઈ ત્રિવેદી

28-06-2022

ખુબ સરસ રચના કાવ્યભાવ પણ ખુબજ માણવા લાયક આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: